દેશહિતમાં જેઠાભાઈ ભરવાડનો મહત્વપૂર્ણ નિર્ણય, ઇંધણ બચત માટે ઈલેક્ટ્રીક વ્હીકલ અભિયાન શરૂ

નાફેડ, પંચમહાલ ડિસ્ટ્રીક બેંક અને પંચમહાલ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન તેમજ શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા દેશહિતમાં મહત્વપૂર્ણ અને દુરંદેશી નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાન Narendra Modi દ્વારા દેશભરમાં ઇંધણની બચત, ઊર્જા સંરક્ષણ અને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવા માટે કરવામાં આવેલી અપીલના અનુસંધાને જેઠાભાઈ ભરવાડે ઇલેક્ટ્રીક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપતા અનેક મહત્વપૂર્ણ પગલાં જાહેર કર્યા છે.

જેઠાભાઈ ભરવાડે પોતાના વર્તન દ્વારા પણ આ અભિયાનને પ્રાથમિકતા આપી છે. તેઓ પોતાના નિવાસસ્થાનેથી કાર્યાલય અને ત્યાંથી પંચમહાલ ડેરી સુધી ઈ-રીક્ષામાં પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દેશહિત માટે દરેક નાગરિકે ઇંધણનો બચાવ કરવો સમયની માંગ બની ગયો છે અને તેમાં ઇલેક્ટ્રીક વાહનો મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

નાફેડ, પંચમહાલ ડિસ્ટ્રીક બેંક અને પંચમહાલ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડાયેલા તમામ કર્મચારીઓને પણ ઇલેક્ટ્રીક વ્હીકલનો ઉપયોગ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. ત્રણેય સંસ્થાઓમાં હાલ વિવિધ કાર્યો માટે ઉપયોગમાં લેવાતા 6,000થી વધુ વાહનોને આગામી સમયમાં તબક્કાવાર ઇલેક્ટ્રીક વાહનોમાં રૂપાંતરિત કરવાની યોજના જાહેર કરવામાં આવી છે. આ નિર્ણયથી ઇંધણની મોટી માત્રામાં બચત થશે તેમજ પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળશે.

આ ઉપરાંત, ત્રણેય સંસ્થાઓમાં યોજાતી સંસ્થાકીય બેઠકો, સામાન્ય સભાઓ અને અન્ય કામગીરી હવે વધુમાં વધુ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાશે. આ પગલાથી અનાવશ્યક મુસાફરીમાં ઘટાડો થશે અને ઇંધણની બચત સાથે સમયનો પણ સદુપયોગ થઈ શકશે.

જેઠાભાઈ ભરવાડે સંસ્થાના સભાસદો, કર્મચારીઓ તેમજ મતદારોને પણ દેશહિતમાં પોતાનું યોગદાન આપવા માટે ઇંધણનો ન્યૂનતમ ઉપયોગ કરવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે દેશને આત્મનિર્ભર અને ઊર્જા બચત તરફ આગળ વધારવા માટે સામાન્ય નાગરિકોની ભાગીદારી ખૂબ જ જરૂરી છે.

પંચમહાલ ડિસ્ટ્રીક બેંક દ્વારા ઇલેક્ટ્રીક વાહન ખરીદવા ઇચ્છુક સભાસદો, કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોને વાહનની મૂળ કિંમતના 85 ટકા સુધી લોન આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. બેંક દ્વારા સહેલાઈથી અને કીફાયતી દરે લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી વધુમાં વધુ લોકો ઇલેક્ટ્રીક વાહનો તરફ વળી શકે.

સાથે જ પંચમહાલ ડિસ્ટ્રીક બેંક દ્વારા ઇલેક્ટ્રીક વ્હીકલ બનાવતી કંપનીઓ સાથે એમઓયુ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આથી કર્મચારીઓ, સભાસદો અને સામાન્ય નાગરિકોને ઇલેક્ટ્રીક વાહનો સરળતાથી અને યોગ્ય કિંમતે ઉપલબ્ધ થઈ શકશે.

જેઠાભાઈ ભરવાડના આ નિર્ણયને પંચમહાલ જિલ્લામાં એક નવી દિશા આપતું અને પર્યાવરણ સંરક્ષણ સાથે દેશહિતને પ્રાથમિકતા આપતું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.