આપણાં આરોગ્ય, ધરતી અને પર્યાવરણ માટે લાભદાયક.
આજના સમયમાં જયારે રાસાયણિક ખેતીએ જમીનની ફળદ્રુપતા ઘટાડી દીધી છે, પાણીના સ્તરો નીચે ઉતરી ગયા છે, ત્યારે પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ તરીકે ઊભરી રહી છે. પ્રાકૃતિક ખેતી એટલે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાનો તદ્દન ત્યાગ કરીને, પ્રકૃતિના નિયમોને અનુસરીને ખેતી કરવી. આ ખેતીમાં ગાયના છાણ-ગોમૂત્ર, જીવામૃત, ઘનજીવામૃત, વનસ્પતિ આધારિત કીટનાશકો અને આચ્છાદન (મલ્ચિંગ) જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે.
આ પદ્ધતિમાં દેશી ગાયનું મહત્વ સર્વોપરી છે. એક દેશી ગાયના છાણ-ગોમૂત્રથી ત્રીસ એકર જમીનની ખેતી માટે પૂરતું જૈવિક ખાતર તૈયાર થઈ શકે છે. આનાથી ખેડૂતનું ખર્ચ લગભગ શૂન્ય થઈ જાય છે અને ઉત્પાદન ખર્ચ ઘણો ઘટી જાય છે.
આ ખેતીથી મેળવેલ અનાજ, શાકભાજી અને ફળોમાં પોષક તત્વો વધુ હોય છે અને તેનો સ્વાદ પણ સારો આવે છે. રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક પેદાશોની બજારમાં માંગ અને કિંમત બંને વધારે છે.
આવો આપણે આજે પ્રાકૃતિક ખેતીથી મેથી ઉગાડવા અંગે જાણીએ. પ્રાકૃતિક ખેતીથી મેથી ઉગાડવી એક સરળ, ખર્ચ બચત અને આરોગ્યપ્રદ પદ્ધતિ છે. મેથીને ઠંડી ઋતુમાં ઉત્તમ વૃદ્ધિ મળે છે અને પ્રાકૃતિક રીતે ઉગાડવાથી તેની સુગંધ, સ્વાદ અને ઔષધીય ગુણધર્મો વધારે મળે છે.
પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધાર જમીનની ફળદ્રુપતા જાળવી રાખવાનો છે, જેથી રાસાયણિક ખાતર કે જંતુનાશકના ઉપયોગ વિના પાક સ્વાભાવિક રીતે તંદુરસ્ત રહે અને વૃદ્ધિ મેળવે. મેથીની ખેતી માટે જમીન સારી રીતે નરમ, અને સજીવ પદાર્થોથી સમૃદ્ધ હોવી જરૂરી છે. વાવણી પહેલાં ખેતરમાં ગાયનાં છાણ, અથવા જીવામૃત મળવાથી જમીનની ઉર્વરતા વધે છે અને ભૂમિમાં જીવાણુઓની ગતિવિધિ ઝડપી થાય છે.
મેથીના બીજ વાવતાં પહેલાં તેમને જૈવિક બીજ ઉપચારની પદ્ધતિથી તૈયાર કરવાથી અંકુરણ સારૂ થાય છે અને રોગો સામે રક્ષણ મળે છે. વાવણી માટે નવેમ્બરથી ડિસેમ્બર મહિના શ્રેષ્ઠ ગણાય છે. બીજને જમીનમાં સમાન અંતરે છાંટીને હળવો પાણીનો છંટકાવ આપવો જોઈએ જેથી ભેજ ટકીને રહે. સિંચાઈ માટે પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરોના બદલે જીવામૃત પાણીનો ઉપયોગ કરવો ઉત્તમ રહે છે. મેથીના છોડને પ્રથમ તબક્કે અઠવાડિયે એકવાર પાણી આપવું જોઈએ અને પછી ભેજ મુજબ સિંચાઈ ગોઠવવી જોઈએ.
જંતુઓ અને રોગો સામે રક્ષણ માટે દશપર્ણી અર્ક, છાશ અથવા લીમડાના પાંદડાને ઉકાળીને તૈયાર કરેલો અર્ક જેવાં પ્રાકૃતિક દ્રાવણો છાંટવા યોગ્ય રહે છે. આ ઉપાયથી પાકને નુકસાન પહોંચાડતી જીવાતો દૂર રહે છે અને છોડની વૃદ્ધિ પર કોઈ રાસાયણિક અસર થતી નથી. મેથીને કાપણી માટે સામાન્ય રીતે 30 થી 40 દિવસનો સમય લાગે છે. પાંદડા તાજા તોડવાથી તે વધુ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ રહે છે.
પ્રાકૃતિક ખેતીથી ઉગાડેલી મેથી માત્ર જમીન અને પર્યાવરણ માટે જ અનુકૂળ નથી પરંતુ માનવ આરોગ્ય માટે પણ ઉત્તમ છે. આ રીતે ઉગાડેલી મેથીમાં રાસાયણિક તત્વો ન હોવાથી તે લોકો માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે. પ્રાકૃતિક ખેતીથી મેથીની સુગંધ વધુ મોહક અને સ્વાદ વધુ સારો બને છે. આ રીતે પ્રાકૃતિક પદ્ધતિથી મેથી ઉગાડવી આપણાં આરોગ્ય, ધરતી અને પર્યાવરણ એમ ત્રણેય માટે લાભદાયક સાબિત થાય છે. પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતીની પદ્ધતિ નથી, એ જીવનશૈલી છે. તે આપણને અને આવનારી પેઢીને સ્વસ્થ, સલામત અને સમૃદ્ધ ભવિષ્ય આપી શકે છે. આવો, આજથી જ પ્રાકૃતિક ખેતીના સમર્થનમાં એક પગલું ભરીએ અને પ્રકૃતિનો ઋણ ચૂકવીએ.