મહેસાણામાં ત્રિપલ તલાક કેસમાં ઐતિહાસિક ચુકાદો, પત્નીને તરછોડનાર પતિને ૧ વર્ષની જેલ અને ૧૦ હજારનો દંડ

કેન્દ્ર સરકાર દ્વારા મુસ્લીમ મહિલાઓના રક્ષણ માટે લાવવામાં આવેલા ત્રિપલ તલાક વિરોધી કાયદાની અસર હવે ગ્રાઉન્ડ લેવલ પર જાવા મળી રહી છે. મહેસાણામાં ત્રિપલ તલાકના એક ચકચારી કેસમાં નામદાર જ્યુડિશિયલ કોર્ટે એક ઐતિહાસિક અને સમાજમાં દાખલો બેસાડતો ચુકાદો આપ્યો છે. પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપી, ત્રિપલ તલાક આપીને બે બાળકો સાથે ઘરમાંથી કાઢી મૂકનાર આરોપી પતિને કોર્ટે ૧ વર્ષની કેદની સજા અને કુલ રૂ. ૧૦,૦૦૦ નો દંડ ફટકાર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ કેસની ફરિયાદી રિઝવાનાબાનુ મન્સૂરીના લગ્ન ઇમરાન હુસૈન મન્સૂરી સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન પતિ દ્વારા અવારનવાર ઘરેલુ હિંસા અને મારઝૂડ કરવામાં આવતી હતી. આ સિલસિલો જાન્યુઆરી ૨૦૨૪માં ચરમસીમાએ પહોંચ્યો હતો, જ્યારે પતિ ઇમરાન મન્સૂરીએ ઉશ્કેરાઈ જઈને પત્ની રિઝવાનાબાનુને ઢોર માર માર્યો હતો અને ત્રણ વખત ‘તલાક, તલાક, તલાક’ બોલીને તેને બે માસૂમ બાળકો સાથે ઘરમાંથી તરછોડી દીધી હતી. આ અન્યાય સામે પીડિતાએ હિંમત દાખવીને મહેસાણા મહિલા પોલીસ મથકમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ મહેસાણાની જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરિયાદી રિઝવાનાબાનુ તરફથી એડવોકેટ ઉજાસ યાજ્ઞિકે ધારદાર દલીલો કરી હતી. સરકાર પક્ષે એચ. ડી. ચૌધરી અને આરોપી તરફથી એમ. એસ. પઠાણે પ્રતિનિધિત્વ કર્યું હતું. કોર્ટમાં તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ અને પુરાવાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

ફરિયાદીના વકીલ ઉજાસ યાજ્ઞિકે જણાવ્યું હતું કે, “ભારત સરકાર દ્વારા મુસ્લીમ મહિલાઓના રક્ષણ માટે જે કાયદો બનાવવામાં આવ્યો છે, તે અંતર્ગત આ એક મહત્વનો ચુકાદો છે. પહેલાં મુસ્લીમ લો પ્રમાણે કોઈ પણ પુરુષ પોતાની પત્નીને ત્રણ વાર તલાક બોલીને લગ્ન જીવનનો અંત લાવી શકતો હતો, પરંતુ નવા કાયદા હેઠળ આ ગેરકાનૂની છે. નામદાર કોર્ટે સમાજમાં આવા કિસ્સાઓ વધે નહીં અને લોકોમાં કાયદાનો ડર રહે તે હેતુથી દાખલારૂપ સજા સંભળાવી છે.”

કોર્ટે આરોપી ઇમરાન મન્સૂરીને દોષિત ઠેરવતા કડક સજાનો આદેશ કર્યો હતો. સજાની જાગવાઈઓ નીચે મુજબ છેઃ

ત્રિપલ તલાક એક્ટ હેઠળઃ ૧ વર્ષની કેદ અને રૂ. ૫,૦૦૦ નો દંડ.

કલમ ૪૯૮ (ઘરેલુ હિંસા/ ત્રાસ): રૂ. ૩,૦૦૦ નો દંડ.

કલમ ૫૦૬ (ધમકી આપવી): રૂ. ૨,૦૦૦ નો દંડ.

આમ, કોર્ટે કુલ રૂ. ૧૦,૦૦૦ નો દંડ ફટકાર્યો છે. જો આરોપી આ દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો તેને વધુ ૨ માસની સાદી કેદ ભોગવવી પડશે તેવો હુકમ પણ કરવામાં આવ્યો છે. પોતાના પતિ દ્વારા અપાયેલા અન્યાયી ત્રિપલ તલાક અને અત્યાચાર સામેની લાંબી કાનૂની લડાઈ બાદ આખરે રિઝવાનાબાનુને ન્યાય મળ્યો છે. ચુકાદા બાદ પીડિતાએ રાહતનો શ્વાસ લીધો હતો અને નામદાર કોર્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત, મુસ્લીમ મહિલાઓને સશક્ત કરતો કાયદો લાવવા બદલ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્ર સરકારનો પણ વિશેષ આભાર માન્યો હતો. આ ચુકાદો સમાજમાં એવો સ્પષ્ટ સંદેશ આપે છે કે કાયદાનું ઉલ્લંઘન કરી મહિલાઓ પર અત્યાચાર કરનારાઓને કોઈપણ સંજાગોમાં બક્ષવામાં આવશે નહીં.