
જામનગરના પૂર્વ મહારાજા જામસાહેબ સર દિગ્વિજયસિંહજી રણજિતસિંહજી જાડેજાને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ’ભારતરત્ન’થી પુરસ્કૃત કરવાની માગ આજે રાજ્યસભામાં ઊઠી છે. ગુજરાતથી રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આજે સંસદીય કાર્યવાહી દરમિયાન આ માગ ઉઠાવી છે, જેમાં તેઓએ જામસાહેબની ઐતિહાસિક સિદ્ધિઓ, સૌરાષ્ટ્રના રજવાડાઓના એકીકરણ, બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન પોલિશ શરણાર્થીઓને આશ્રય અને સોમનાથ મંદિર પુનનર્માણ જેવા કાર્યોનો વિગતવાર ઉલ્લેખ કર્યો હતો.
આજે રાજ્યસભાને સંબોધિત કરતા એમપી કેસરીદેવસિંહ ઝાલાએ તેમના સંસદીય પ્રવચનમાં જામસાહેબ દિગ્વિજયસિંહજી રણજિતસિંહજી જાડેજાની સિદ્ધિઓ ઉજાગર કરતા કહ્યું હતું કે, આઝાદી સમયે સરદાર વલ્લભભાઈ પટેલે ૫૬૨ રજવાડાઓને એક કરીને આધુનિક ભારતનું નિર્માણ કર્યું હતું. તેમણે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતના ૨૧૭ રજવાડાઓને એક કરવાની જવાબદારી જામસાહેબ સર દિગ્વિજયસિંહને સોંપી હતી. તેઓએ રાજધર્મને સમજીને આ કાર્યને અમલમાં મૂક્યું, જેના કારણે સૌરાષ્ટ્ર એક વતન બન્યું. આટલું જ નહીં, કેસરીદેવસિંહ ઝાલાએ જામસાહેબ સર દિગ્વિજયસિંહની દેશવિદેશની ખ્યાતિ અંગેની માહિતી આપતા સંસદમાં કહ્યું હતું કે, મહારાજા દિગ્વિજયસિંહે યુવાન અવસ્થામાં આર્મીમાં જોડાઈ આફઘાનિસ્તાનમાં સેવા આપી અને વિશ્ર્વયુદ્ધમાં ભાગ લીધો હતો. બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન તેઓએ બ્રિટિશ વોર કેબિનેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને ઇમ્પિરિયલ વોર કાઉન્સિલ તથા પેસિફિક વોર કાઉન્સિલમાં સભ્ય તરીકે કાર્ય કર્યું હતું. ૧૯૩૫માં તેઓને ’સર’ની ઉપાધિ મળી હતી.
વર્ષ ૧૮૯૫માં જન્મેલા સર દિગ્વિજયસિંહજી જાડેજાએ હાલના જામનગર (પહેલાં નવાનગર)માં ૧૯૩૩થી ૧૯૪૮ સુધી મહારાજા તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. બાદમાં તેઓએ સરદાર વલ્લભભાઈ પટેલના કહેવાથી ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતના ૨૧૭ જેટલા રજવાડાઓને એકત્ર કર્યા હતા અને વર્ષ ૧૯૪૮થી ૧૯૫૬ સુધી તેઓ સૌરાષ્ટ્રના રાજપ્રમુખ રહ્યા હતા. તેઓ પ્રખ્યાત ક્રિકેટર કુમાર રણજિતસિંહજીના વંશજ હતા અને બ્રિટિશ ભારતીય સેનામાં લેટનન્ટ જનરલની પદવી સુધી પહોંચ્યા હતા.
વધુમાં કેસરીદેવસિંહ ઝાલાએ ઉમેર્યું હતું કે, આઝાદી પછી સર દિગ્વિજયસિંહજીએ સોમનાથ મંદિર પુનનર્માણ ટ્રસ્ટના સભ્ય તરીકે સરદાર પટેલ અને કે.એમ. મુનશી સાથે જોડાયા હતા. જે બાદ સોમનાથ મંદિર પુનનર્માણ શરૂ થયું હતું. આટલું જ નહીં વર્ષ ૧૯૪૨માં બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન પોલેન્ડથી સ્થળાંતરિત થયેલા હજારોની સંખ્યામાં શરણાર્થીઓ, ખાસ કરીને મહિલાઓ અને બાળકોને તેઓએ આશ્રય આપ્યો હતો. આ તમામ રેયુજીસ જામનગરના બાલાચડીમાં રહેતા અને ત્યાં તેઓ માટે શિક્ષણ, આરોગ્ય સહિતની તમામ સુવિધાઓ સર દિગ્વિજયસિંહે કરી આપી હતી.
નોંધનીય છે કે, આ માગને રાજકીય અને સામાજિક વર્તુળોમાં સ્વાગત મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પોલેન્ડ અને ઇઝરાયલની મુલાકાતો દરમિયાન જામસાહેબના કાર્યોની પ્રશંસા કરી છે. ગુજરાતમાં તેમના વારસદારો અને સ્થાનિક નેતાઓએ આ માગને સમર્થન આપ્યું છે. જો આ માગ પૂરી થાય, તો તે જામસાહેબના વારસાને નવી ઊંચાઈ આપશે અને ભારતીય ઇતિહાસના અજવાળામાંના આ હીરોને યોગ્ય સ્થાન મળશે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. હવે આ મુદ્દે શું નિર્ણય આવે એ આગામી સમયમાં જાણવા મળશે.