
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે ફોન પર વાત કરી. વાતચીત દરમિયાન, પ્રધાનમંત્રી મોદીએ યુએઈ પર ઈરાન દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલાની સખત નિંદા કરી અને આ હુમલાઓમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરીને કહ્યું, “મારા ભાઈ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન, યુએઈના રાષ્ટ્રપતિ સાથે વાત કરી. યુએઈ પરના હુમલાઓની સખત નિંદા કરી અને આ હુમલાઓમાં થયેલા જાનમાલના નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું. ભારત આ મુશ્કેલ સમયમાં યુએઈની સાથે ઉભું છે. યુએઈમાં રહેતા ભારતીય સમુદાયની સંભાળ રાખવા બદલ તેમનો આભાર માન્યો. અમે તણાવ ઓછો કરવા, પ્રદેશમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને સમર્થન આપીએ છીએ.”
આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે ઈરાને અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓના જવાબમાં યુએઈ સહિત અનેક ખાડી દેશો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. યુએઈ સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, શનિવારથી, ઈરાને યુએઈ પર ૧૬૫ બેલિસ્ટીક મિસાઈલ, ૫૪૧ ડ્રોન અને બે ક્રુઝ મિસાઈલ છોડ્યા છે, જેમાંથી મોટાભાગની યુએઈ હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા નાશ પામી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે કેટલાક હુમલાઓમાં દુબઈ, અબુ ધાબી અને અન્ય વિસ્તારોમાં નુકસાન થયું છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ હુમલાઓમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા છે અને ૫૮ થી વધુ ઘાયલ થયા છે, જેમાં કેટલાક વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે.
ભારત અને યુએઈ વચ્ચે વ્યૂહાત્મક સંબંધ છે. ભારત અને સંયુક્ત આરબ અમીરાત મજબૂત વ્યૂહાત્મક સંબંધો ધરાવે છે. બંને દેશોએ આતંકવાદ સામે એકતા વ્યક્ત કરી છે. યુએઈ મોટી સંખ્યામાં ભારતીયોનું ઘર છે, અને તેને વિશ્વના સૌથી સુરક્ષિત સ્થળોમાંનું એક માનવામાં આવે છે.