સંતરામપુર તાલુકાના નરસીંગપુર ગામે એક પિતાએ જ પોતાના સગા પુત્રએ લગ્ન કરવાની જીદ કરતા પિતાએ લાકડાના ફટકા મારીને હત્યા કરી હોવાનો હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. લગ્ન કરાવવા બાબતે પિતા-પુત્ર વચ્ચે થયેલી તકરાર લોહિયાળ જંગમાં ફેરવાઈ ગઈ હતી. જેમાં ગંભીર રીતે ધવાયેલા પુત્રનુ સારવાર દરમિયાન મોત નીપજતા સંતરામપુર પોલીસ મથકે પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નરસીંગપુર ગામે રહેતા રમેશભાઈ કચરાભાઈ ભાભોર અને તેમના પુત્ર પ્રકાશ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પુત્ર પ્રકાશ તેના પિતાને તમે મારા લગ્ન કેમ કરાવતા નથી…?તેમ કહી ઝધડો કરી રહ્યો હતો. આ વાતથી ઉશ્કેરાઈ ગયેલા પિતા રમેશભાઈએ પોતાના પુત્રને મારી નાંખવાના ઈરાદે હાથમાં રહેલી લાકડી માથાના ભાગે જોરથી મારી દીધી હતી. લાકડીનો ફટકો વાગતા પ્રકાશને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક સંતરામપુર સરકારી દવાખાને અને ત્યાંથી વધુસારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલત વધુ ગંભીર જણાતા તેને વડોદરાની એસએસજીમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયાં ૮ દિવસ સુધી મોત સામે જંગલ લડ્યા બાદ પ્રકાશનુ મોત નીપજયું હતુ. આ બનાવ અંગે મૃતકના કાકા મોહનભાઈ કચરાભાઈ ભાભોરે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પોતાના જ ભાઈ રમેશભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે કલમ ૧૦૩(૧)અને કલમ ૧૩૫ મુજબ પિતા સામે હત્યાનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.