ભાણપુરામાં ત્રણ મકાનોમાં આગ લાગતા હાથવગુ ઉપયોગ કરી આગ બુઝાવવાના પ્રયાસો કરાયા હતા. જાંબુઘોડા ફાયર ફાયટરની ટીમે પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. પરંતુ આગમાં બે મકાનોનો સરસામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે જાણવા મળ્યુ નથી.
જાંબુધોડા તાલુકાના ભાણપુરા ગામમાં એક જ લાઈનમાં આવેલ મકાનો પૈકી તખ્તભાઈ ભયજીભાઈ બારીયા, હસમુખભાઈ રેમાભાઈ બારીયા અને વજેસિંહભાઈ મોતીભાઈ બારીયાના મકાનોમાં અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં આસપાસના રહિશો દોડી આવ્યા હતા. અને આગને ઓલાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વપ ધારણ કરી લીધુ હતુ. બીજી તરફ આગની જાણ જાંબુઘોડા ફાયર વિભાગને કરાતા ફાયરની ટીમ ધટના સ્થળે આવી પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ વિકરાળ થયેલ આ આગમાં તખ્તભાઈ ભયજીભાઈ બારીયા અને હસમુખભાઈ રેમાભાઈ બારીયાના મકાનોમાં રહેલી જીવન જરિયાતની તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. જેના કારણે મોટુ નુકસાન થયુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ ઉપરાંત પાડોશમાં રહેતા વજેસિંહભાઈ મોતીભાઈ બારીયાના મકાનને પણ આગને ઝપેટ લાગી હતી. પરંતુ સમયસર પાણીનો છંટકાવ થતાં ત્યાં મોટુ નુકસાન થતુ બચ્યુ હતુ. આગની જાણ થતાં તંત્ર પણ દોડતું થયુ હતુ. જેમાં જાંબુધોડા તાલુકા પંચાયતની ટીમ, તલાટી તેમજ તાલુકા ૫ંચાયત પ્રમુખ લાલસિંગભાઈ બારીયા તાત્કાલિક ધટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લઈ નુકસાનની વિગતો મેળવી હતી.