ગોધરા મેંદા પ્લોટમાં ભુગર્ભ લાઈન બેસી જતાં રસ્તો પાણીમાં

ગોધરા શહેરના સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલ મેંદા પ્લોટમાં છેલ્લા ધણા સમયથી ભુગર્ભ ગટરની ગંભીર સમસ્યા સર્જાઈ છે. મુન્ના ફળિયાથી લઈને સરકારી અનાજ ગોડાઉન સુધીની આશરે ૨૦૦ મીટર લાંબી ભુગર્ભ લાઈન નષ્ટ થઈ જતાં ગટરના ગંદા પાણી રહેણાંક વિસ્તારો અને મુખ્ય માર્ગો પર ફરી વળ્યા છે. ગંદકીના કારણે સ્થાનિકોનુ જીવવુ મુશ્કેલ બન્યુ છે. જેને લઈને રહિશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

ગોધરા મેંદા પ્લોટ સહિત વિસ્તારમાં આવેલ મહેબુબ મસ્જિદના મુખ્ય પ્રવેશદ્વાર સુધી ગટરના ગંદા પાણી પહોંચી ગયા છે. આ ઉપરાંત ગંદકી સ્થાનિકોના ધરના આંગણાઓ સુધી પ્રસરી જતાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. પવિત્ર રમઝાન માસ નજીક આવી રહ્યો છે ત્યારે મસ્જિદમાં જતી વખતે મુસ્લિમ બિરાદરોને આ ગંદકીમાંથી પસાર થવુ પડી રહ્યુ છે. જે અત્યંત પીડાદાયક સ્થિતિ છે. આ મામલે સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં રજુઆતો કરવામાં આવતા પાલિકા તંત્ર સફાળુ જાગ્યુ હતુ. પાલિકાની ટીમ દ્વારા પ્રેશર ટેન્ક મોકલીને ભુગર્ભ ગટરમાંથી પાણીના નિકાલ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જોકે લાઈન ક્ષતિગ્રસ્ત હોવાથી આ કાયમી ઉકેલ છે કેમ તે અંગે પ્રશ્ર્નાર્થો સર્જાયા છે.