4.11 લાખ મંત્રોના જાપ અને 3100 શ્રીફળોની મહાઅર્ચના સાથે અનુષ્ઠાન સંપન્ન.
દાહોદના મહાવીર નગર સ્થિત શ્રી 1008 શાંતિનાથ જીનાલયમાં 16મા તીર્થંકર 1008 શ્રી શાંતિનાથ ભગવાનની નિશ્રામાં આયોજીત 16 દિવસીય શ્રી શાંતિનાથ મહામંડળ વિધાન અનુષ્ઠાન આજે પૂર્ણ થયું
આ ભવ્ય આયોજન આચાર્ય ભગવાન શ્રી સન્મતિ સાગરજી મહારાજ અને પ્રાકૃતાચાર્ય શ્રી સુનીલ સાગરજીના પરમ આશીર્વાદથી તેમજ દાહોદમાં બિરાજમાન તપસ્વી મુનિ શ્રી 108 સુમંત્ર સાગરજીના સંપૂર્ણ સાનિધ્યમાં હેમખેમ સંપન્ન થયું. પાછલા 16 દિવસથી ચાલી રહેલા આ વિધાનમાં દાહોદ દિગંબર જૈન સમાજ ઉપરાંત બહારના નગરોમાંથી આવેલા શ્રાવકોએ પણ પુણ્યાર્જક બનીને પુણ્ય સંચય કર્યું હતું. આજે સમાપન પ્રસંગે 16 પુણ્યશાળી પરિવારો દ્વારા 16 લિટર દૂધથી ભગવાનનો દુગ્ધાભિષેક તેમજ પંચામૃત અભિષેક કરવાનો લાભ લેવામાં આવ્યો હતો.
સમાપન વેળાએ મહાયજ્ઞ નાયક, યજ્ઞ નાયક અને સૌધર્મ ઈન્દ્રોએ મહારાજ સાહેબના મુખારવિંદથી ઉચ્ચારાયેલા મંત્રો સાથે આહુતિઓ આપી હતી. મુનિ શ્રી 108 સુમંત્ર સાગરજીએ વિશ્વ શાંતિ માટે વિશેષ મંત્રાવલીનું પઠન કર્યું હતું. જેમાં રોગ-શોક નાશક, વ્યાપાર વૃદ્ધિ, લક્ષ્મી વર્ધક, દુ:ખ-પીડા નિવારક, સુખ સમૃદ્ધિ, અખંડ સૌભાગ્ય વર્ધક, ભૂત-પ્રેત બાધા નિવારણ તેમજ કુલ-ગોત્ર અને પૂર્વજોની સુખ-શાંતિ માટે 4,11,000 (ચાર લાખ અગિયાર હજાર) જાપ કરવામાં આવ્યા હતા.
3100 શ્રીફળોથી મહાઅર્ચના આ ધાર્મિક અનુષ્ઠાન દરમિયાન દિગંબર જૈન સમાજ મહાવીર નગર, મહિલા મંડળ અને ગુરૂ ભક્ત પરિવારે પુણ્યાર્જક બનીને ધર્મલાભ લીધો હતો. 16 દિવસીય શ્રી શાંતિનાથ મહામંડળવિધાનમાં લગભગ 3100 શ્રીફળોથી મહાઅર્ચના હર્ષોલ્લાસ સાથે સંપન્ન થઈ હતી.