૧૨ ગુનાઓમાં સંડોવાયેલ આરોપી ઝડપાયો, ૫ મોટર સાઇકલ ચોરીના ગુનાઓ ડિટેક્ટ

દેવગઢ બારીયા પોલીસે મિલ્કત સંબંધિત ગુનાઓ સામે હાથ ધરાયેલી વિશેષ કામગીરી દરમિયાન કુલ ૧૨ ગુનાઓમાં સંડોવાયેલ એક આરોપીને ઝડપી પાડી પાંચ અનડીટેક્ટ મોટર સાઇકલ ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલી પાંચ મોટર સાઇકલો રીકવર કરવામાં સફળતા મેળવી છે.

દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તથા લીમખેડા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મિત્તલ સાકરીયા અને એ.કે. કલાસવાના સુચનાથી દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ કે.કે. રાજપુત અને સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ખાનગી બાતમીના આધારે પોલીસે મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના ખરકાલી ગામના બાલગીર લાલસિંહ તોમરને દેવગઢ બારીયા તાલુકાના કેલિયા ગામ નજીકથી ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી મળેલી નંબર વગરની મોટર સાઇકલના કોઈ દસ્તાવેજો ન મળતા તપાસ કરતા વાહન ચોરીનું હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ કરાયેલી સઘન પૂછપરછમાં આરોપીએ દાહોદ, પંચમહાલ તથા મધ્યપ્રદેશ રાજ્યમાં વિવિધ સ્થળોએથી મોટર સાઇકલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

તપાસ દરમિયાન દેવગઢ બારીયા, ધાનપુર, રાજગઢ, હાલોલ ‚રલ અને મધ્યપ્રદેશના કુક્ષી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા પાંચ વાહન ચોરીના અનડીટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા હતા. પોલીસે હીરો હોન્ડા, હોન્ડા સાઇન અને બજાજ પલ્સર સહિતની પાંચ મોટર સાઇકલો કબ્જે કરી છે. આરોપી સામે મોટર સાઇકલ ચોરી ઉપરાંત રાયોટિંગ, અપહરણ અને પ્રોહિબિશન સહિત કુલ ૧૨ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલમાં આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.