-જવાબદાર તંત્ર ઘોર નિંદ્રામાં? નગરજનોમાં ઉગ્ર રોષ.
ઝાલોદ નગરમાં આવનાર હોળી પર્વને પગલે બજારોમાં ખરીદી માટે તેમજ અંગત કામકાજે લોકોનો ભારે પ્રવાહ ઉમટવાનો છે. જેને લઈ નગરના સાંકડા રસ્તાઓ અને અનિયંત્રિત પાર્કિંગના કારણે ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાવવાની છે. હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે જવાબદાર તંત્ર ઘોર નિંદ્રામાં મસ્ત છે અને નગરજનોને ભોગ બનવા માટે છોડી દીધા છે.
સાંકડા રસ્તાઓ પર વધતો ભાર વેપારીઓ અને બેદરકારી મોટું કારણ…
નગરના મોટાભાગના રસ્તાઓ મૂળથી જ સાંકડા છે. તેમાં પણ અમુક વેપારીઓ દ્વારા રોડ પર જ માલસામાન મૂકી વ્યાપાર કરવામાં આવે છે, જેના કારણે રસ્તાની પહોળાઈ વધુ ઘટી જાય છે. દુકાનો પર આવતા ગ્રાહકો પણ પોતાના વાહનો જ્યાં જગ્યા મળે ત્યાં પાર્ક કરી દેતા હોય છે, જેના કારણે રસ્તા વધુ સંકુચિત બની જાય છે, તેમજ બસ સ્ટેશન વિસ્તારમાં રીક્ષાઓ રોડ સુધી ઊભી રાખવામાં આવતી હોય છે. જાણે રોડ પોતાનો ખાનગી હક હોય તેમ અમુક લોકો દ્વારા ખુલ્લેઆમ વ્યાપાર કરવામાં આવે છે. પરિણામે સામાન્ય નાગરિકો અને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે.
ફોર વ્હીલર અને માલવાહક વાહનો વધારતા અવરજવરનો તણાવ…
દિવસ દરમિયાન ગ્રાહકોની ભીડ વચ્ચે જો કોઈ ફોર વ્હીલર વાહન પસાર થાય તો પરિસ્થિતિ કાબૂ બહાર જાય છે. રેંકડા, નાના હાથી ટેમ્પા જેવા વાહનો માલ ઉતારવા માટે ભીડ વચ્ચે જ પ્રવેશતા હોવાથી ટ્રાફિક જામ વધુ ગંભીર બને છે. નગરપાલિકા દ્વારા બસ સ્ટેશનથી પોલીસ સ્ટેશન સુધી સુંદર દ્વિમાર્ગીય રસ્તો બનાવવામાં આવ્યો છે, પરંતુ અહીં પણ વેપારીઓ દ્વારા રોડ પર કબજો અને ગ્રાહકોના અનિયંત્રિત પાર્કિંગને કારણે ટ્રાફિક સમસ્યા યથાવત છે. આ પરિસ્થિતિ જોઈ નગરજનોમાં પ્રશ્ર્ન ઉઠી રહ્યો છે કે શું તંત્ર માત્ર રસ્તા બનાવવાથી ફરજ પૂર્ણ માને છે?
નગરજનોની સ્પષ્ટ માંગ વન-વે વ્યવસ્થા અને પાર્કિંગની સુવિધા…
ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા નગરજનો દ્વારા સૂચન કરવામાં આવ્યું છે કે, સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી મુખ્ય માર્ગોને વન-વે જાહેર કરવામાં આવે. ઉપરાંત વ્યાપાર કરવા આવતા વાહનો માટે અલગથી પાર્કિંગ સ્થળ નિર્ધારિત કરવામાં આવે. જો સમયસર યોગ્ય માર્ગદર્શિકા જાહેર નહીં થાય તો હોળીના દિવસોમાં નગરમાં અવ્યવસ્થાનું રાજ રહેશે તે નિશ્ચિત છે.
હોળી દરમિયાન અવાજ પ્રદૂષણ કોણ લેશે જવાબદારી ?
હોળી પર્વ દરમિયાન અમુક વેપારીઓ મોટા અવાજે સ્પીકર વગાડતા હોય છે, જેના કારણે અવાજ પ્રદૂષણ ફેલાય છે અને સામાન્ય લોકો પરેશાન થાય છે. ખાસ કરીને બસ સ્ટેશન વિસ્તારમાં ઊંચા અવાજે વાગતા સ્પીકરો અંગે અનેકવાર ફરિયાદો છતાં તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી થતી નથી.
હવે નજર તંત્રની કામગીરી પર…
હાલની સ્થિતિ જોતા નગરજનોમાં ઉગ્ર રોષ વ્યાપી રહ્યો છે. પ્રશ્ર્ન એ છે કે, જવાબદાર તંત્ર સમયસર સક્રિય બની નગરને ટ્રાફિક મુક્ત બનાવશે કે પછી ચલતા હે, ચલને દો જેવી નીતિ અપનાવી નગરજનોને મુશ્કેલીમાં મૂકી દેશે હોળી પર્વ આનંદ અને ઉત્સવનો પ્રતીક છે, પરંતુ જો તંત્ર સમયસર જાગૃત નહીં બને તો આ ઉત્સવ ટ્રાફિક ત્રાસમાં ફેરવાઈ શકે છે.