આસામ વિધાનસભાને ગુરુવારે નવા સ્પીકર મળ્યા. ચાર વખતના ભાજપ ધારાસભ્ય રણજીત કુમાર દાસ ૧૬મી આસામ વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાયા. પ્રો-ટેમ સ્પીકર ચંદ્ર મોહન પટવારીએ ગૃહમાં જાહેરાત કરી કે રણજીત કુમાર દાસના સમર્થનમાં ત્રણ નામાંકન દાખલ કરવામાં આવ્યા છે. તેમની સામે અન્ય કોઈ ધારાસભ્યએ ઉમેદૃવારી નોંધાવી ન હતી, ત્યારબાદ તેમને બિનહરીફ સ્પીકર જાહેર કરવામાં આવ્યા.
રણજીત કુમાર દાસે આસામ વિધાનસભાના અધ્યક્ષ તરીકે બીજી વખત સેવા આપી છે. તેમણે અગાઉ ૨૦૧૬ માં ભાજપની પ્રથમ સરકારની રચના દરમિયાન આ પદ સંભાળ્યું હતું. તે સમયે, ભાજપ રાજ્યમાં પ્રથમ વખત સત્તામાં આવ્યું હતું, અને દાસને વિધાનસભા ચલાવવાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી.
રણજીત કુમાર દાસ આસામની ભવાનીપુર-સોરભોગ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. ૨૦૧૧ થી તેઓ સતત ચાર વિધાનસભા ચૂંટણીઓ જીતી ચૂક્યા છે. તેમણે સંગઠનાત્મક અને સરકારી સ્તરે રાજ્યના રાજકારણમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.
દાસ મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માના પ્રથમ કાર્યકાળ (૨૦૨૧-૨૦૨૬) માં કેબિનેટ મંત્રી પણ હતા. તેમણે આસામ ભાજપના પ્રમુખ તરીકે પક્ષ સંગઠનને મજબૂત બનાવવા માટે પણ કામ કર્યું હતું. વિધાનસભા અધ્યક્ષ તરીકે તેમની ફરીથી ચૂંટણીને ભાજપ નેતૃત્વ અને સંગઠનમાં તેમના વ્યાપક અનુભવના નોંધપાત્ર સંકેત તરીકે જોવામાં આવી રહી છે.