સ્લોવાકિયન કલાકારોની કૃતિઓ વારાણસીની સંસ્કૃતિ અને વારસાને દર્શાવે છે,પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્લોવાકિયાની તેમની ઐતિહાસિક બે દિવસીય મુલાકાત પૂર્ણ કરી છે. ૧૯૯૩માં સ્લોવાકિયાની સ્વતંત્રતા પછી ભારતીય વડા પ્રધાનની આ પહેલી મુલાકાત હતી. આ મુલાકાત દરમિયાન, બંને દેશોએ આતંકવાદ સામેની લડાઈ, શિક્ષણ અને રોજગાર સહિત અનેક મુખ્ય ક્ષેત્રોમાં મોટા કરારો પર હસ્તાક્ષર કર્યા. બંને દેશોએ હવે તેમના સંબંધોને “વ્યાપક ભાગીદારી” સુધી પહોંચાડ્યા છે.

તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી મોદીએ, સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રિની સાથે, બ્રાતિસ્લાવામાં રાષ્ટ્રપતિ મહેલમાં એક ખાસ પ્રદર્શનની મુલાકાત લીધી. આ પ્રદર્શન ભારતના પ્રાચીન અને પવિત્ર શહેર વારાણસી (બનારસ) પર કેન્દ્રિત હતું. તેમાં તાજેતરમાં વારાણસીની મુલાકાત લીધેલા સ્લોવાકિયન કલાકારોની કૃતિઓ દર્શાવવામાં આવી હતી. તેમની કલા દ્વારા, કલાકારોએ બનારસની સુંદરતા અને સંસ્કૃતિને કેનવાસ પર કેદ કરી હતી.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર આ અનુભવ શેર કર્યો, તેને “બ્રાતિસ્લાવામાં બનારસ સાથે જાડાણ” ગણાવ્યું. પીએમએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, “બ્રાતિસ્લાવામાં બનારસ સાથે જાડાણ! ગઈકાલે બ્રાતિસ્લાવામાં રાષ્ટ્રપતિ મહેલમાં, રાષ્ટ્રપતિ પેલેગ્રિની અને મેં વારાણસી પર કેન્દ્રિત એક રસપ્રદ પ્રદર્શનની મુલાકાત લીધી, જેમાં તાજેતરમાં વારાણસીની મુલાકાત લેનારા સ્લોવાક કલાકારોની કૃતિઓ દર્શાવવામાં આવી હતી. કલા અને સંસ્કૃતિમાં લોકોને એકસાથે લાવવાની અદ્ભુત ક્ષમતા છે. આ પ્રદર્શનમાં પ્રદર્શિત થયેલા તમામ કલાકારોને મારા હૃદયપૂર્વક અભિનંદન.”

આ પ્રદર્શન દર્શાવે છે કે ભારત અને સ્લોવાકિયા વચ્ચે માત્ર રાજકીય અને વેપાર સંબંધો જ નહીં, પરંતુ સાંસ્કૃતિક સંબંધો પણ ગાઢ બની રહ્યા છે. સ્લોવાકિયન કલાકારોએ તેમની કલા દ્વારા યુરોપને વારાણસીનો વારસો રજૂ કર્યો. આ મુલાકાત દરમિયાન, પીએમ મોદીને સ્લોવાકિયાના સર્વોચ્ચ રાજ્ય સન્માનથી પણ નવાજવામાં આવ્યા, જે બંને દેશો વચ્ચે વધતી મિત્રતાનું પ્રતીક છે.