સંખેડાના ટીંબા ગામે નવી પાણીની ટાંકીમાં લીકેજહજારો લીટર પાણીનો વેડફાટે

સંખેડા તાલુકાના ટીંબા ગામમાં નવી બનાવેલી પાણીની ટાંકીમાં સતત લીકેજની સમસ્યા જોવા મળી રહી છે. આના કારણે તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે. ગામ લોકોના કહેવા મુજબ, આ ટાંકી બની ત્યારથી જ તેમાં લીકેજ છે. ટાંકીમાં પાણી ભરતા જ તે બહાર નીકળવાનું શ‚ થઈ જાય છે, જેના કારણે રોજ હજારો લીટર પાણીનો બગાડ થાય છે.

ગામ લોકોનો આરોપ છે કે, કોન્ટ્રાક્ટર દ્વારા ઘણી વાર તપાસ કરીને સમારકામ કરવામાં આવ્યું છે, છતાં લીકેજ બંધ થતું નથી. આથી ગ્રામજનોને શંકા છે કે ટાંકીના બાંધકામમાં હલકી ગુણવત્તાનો સામાન વાપરવામાં આવ્યો છે અથવા કામ નબળું થયું છે.

ગ્રામજનોની માંગ છે કે, હવે માત્ર રિપેરિંગ કરવાને બદલે ટાંકીના બાંધકામની ગુણવત્તાની ટેકનિકલ તપાસ કરવામાં આવે. જેથી ખામીનું મૂળ કારણ શોધીને કાયમી ઉકેલ લાવી શકાય. એક તરફ સરકાર ’પાણી બચાવો’ અભિયાન ચલાવી રહી છે અને ગામોમાં પાણીના સંગ્રહ માટે લાખો ‚પિયા ખર્ચી રહી છે. ત્યારે બીજી તરફ નવી ટાંકીમાંથી જ પાણી લીક થવું એ ગંભીર બાબત છે.

સ્થાનિક આગેવાન મેહુલભાઈ પટેલે જણાવ્યું કે, “લીકેજ બાબતે કોન્ટ્રાક્ટર ઘણી વાર આવીને જોઈ ગયા છે અને રિપેર પણ કરી ગયા છે. તેમ છતાં સમસ્યા જેવી હતી તેવી જ છે. જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો અમે આંદોલન કરીશું.

આ બાબતે બોડેલી પાણી પુરવઠા વિભાગના અધિકારી જયદીપ ડામોરે ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, “ટીંબા ગામની ટાંકીને બે વાર રિપેર કરવામાં આવી હતી. કેમિકલ લગાવ્યા પછી તેને ૨૪ કલાક સૂકવવું પડે છે, પણ તરત જ પાણી ભરી દેવાતા કેમિકલની અસર થતી નથી અને ફરી લીકેજ થાય છે. હવે અમે વ્યવસ્થિત રીતે કેમિકલ દ્વારા રિપેર કરીને કાયમી ઉકેલ લાવીશું.”