રાજકોટમાં લોહિયાળમાં લવ મેરેજના ચોથા જ વર્ષે પતિએ પત્નીને બહેનપણીના ઘરે પતાવી દીધી

શહેરમાં એક લવ મેરેજ કરનાર ૨૭ વર્ષીય પરિણીતાને તેની બહેનપણીના ઘરે તેના જ પતિએ છરીના ૫થી વધુ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી છે. જે બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી, ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં આ બનાવનું કારણ ઘરકંકાસ હોવાનું સામે આવ્યું છે.

વિગતવાર વાત કરીએ તો રાજકોટ શહેરમાં આજે રવિવારે ૨૭ વર્ષીય નિલેશ્ર્વરી બોરીચા નામની પરિણીતાની હત્યા તેના જ પતિ યોગેશ બોરીચાએ કરી નાખી છે. મૃતક નિલેશ્ર્વરી તેની બહેનપણી જલ્પાના ઘરે રાજકોટ શહેરના દૂધસાગર રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડ શેરી નંબર ૧૦માં હાજર હતી, ત્યારે નિલેશ્ર્વરીના પતિએ નિલેશ્ર્વરીને છરીના ૫થી વધુ ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી છે. બનાવ સંદર્ભે થોરાળા પોલીસ દ્વારા મૃતક નિલેશ્ર્વરીના પતિ યોગેશની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

આ મામલે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર, મૃતક નિલેશ્ર્વરી અને યોગેશના ચાર વર્ષ પૂર્વે લવ મેરેજ થયા હતા. નિલેશ્ર્વરી મૂળ અમદાવાદની રહેવાસી છે. પાંચ વર્ષ પૂર્વે ઇન્સ્ટાગ્રામના માયમથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. તેમજ ત્યાર બાદ બંને વચ્ચે મિત્રતા અને પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યાર બાદ બંને પરિવારોની રાજીખુશીથી નિલેશ્ર્વરી અને યોગેશે લગ્નજીવન શરૂ કર્યું હતું.

લવ મેરેજ બાદ નિલેશ્ર્વરી અને યોગેશ વચ્ચે શરૂઆતમાં બધું બરોબર ચાલતું હતું, પરંતુ છેલ્લા કેટલાય સમયથી યોગેશ કંઈ કામધંધો કરતો ન હતો. તેમજ નશો કરવાની ટેવવાળો પણ હતો જેના કારણે અવારનવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હતા. આ ઝઘડાઓથી કંટાળીને નિલેશ્ર્વરી છેલ્લા ચાર દિવસથી પોતાના પતિનું ઘર છોડીને રાજકોટના ભગવતી પરા વિસ્તારમાં આવેલી બોરીચા સોસાયટીમાં પોતાના સાસરિયામાં રહેતી હતી.

ઘટના મુજબ તે તેના સાસરિયામાં રહેતી બહેનપણી જલ્પાના ઘરે દૂધસાગર રોડ ઉપર રહેવા જતી રહી હતી. જેથી આજે રવિવારના રોજ સવારના ૧૨:૩૦ વાગ્યાના અરસામાં યોગેશ પોતાની પત્ની નિલેશ્ર્વરીની બહેનપણી જલ્પાના ઘર ખાતે પહોંચ્યો હતો. જ્યાં શરૂઆતમાં પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન યોગેશ દ્વારા પોતાની પાસે રહેલ છરી વડે પાંચથી વધુ ઘા પોતાની પત્ની નિલેશ્ર્વરીને ઝીંકી દઈ સ્થળ પરથી તે ફરાર થઈ ગયો હતો.

ઘટના બાદ ગંભીર રીતે ઘાયલ નિલેશ્ર્વરીને તેની બહેનપણી જલ્પા દ્વારા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં સાંજના ૫:૩૦ વાગ્યા આસપાસ તેણીનું સારવાર દરમિયાન હોસ્પિટલ ખાતે મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે બનાવ સંદર્ભે થોરાળા પોલીસ સ્ટેશન ખાતે યોગેશ વિરુદ્ધ હત્યા સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.