પીપળાવ ગામની બેક ઓફ બરોડામાં બનાવટી સોનુ મૂકી રૂ ૩૧.૫૫ લાખની લોન લેવાનું કૌભાંડ બહાર આવતા ચકચાર

પીપળાવ ગામે આવેલી બેક્ધ બરોડામાં ગામના પાંચ વ્યક્તિઓના નામે બનાવટી સોનું ગીરવે મુકી રૂા. ૩૧,૫૫,૦૦૦ની રકમની લોન લેવામાં આવી હતી. બાદમાં આ સોનું ખોટું હોવાનું બહાર આવ્યું. જેને પગલે હડકંપ મચી ગયો છે. અને આ અંગે સોજીત્રા પોલીસ મથકે પાંચ વ્યક્તિઓના નામે બનાવટી સોના ઉપર નાણાં લઈ લેનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે.

પોલીસના જણાવ્યા અનુસાર સોજિત્રા તાલુકાના પીપળાવ ગામે આવેલી બેંક ઓફ બરોડામાં પાંચ છ મહિના અગાઉ ગામમાં રહેતા શખસે પાંચથી છ ઈસમના નામે બનાવટી સોનું બેંકમાં ગીરો મૂકી તેના પર રૂપિયા ૩૧.૫૫ લાખની રકમની લોન લીધી હતી. દરમિયાન બેંકમાં ઓડિટ કરતા બેંકમાં લોનની અવેજમાં ગીરો મૂકેલું સોનું બનાવટી હોવાની વિગતો ખુલી હતી. જેથી બેંકના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા અને તપાસ કરી હતી. જેમાં ભગુ ગોહેલ, દીપેશ પરમાર, વિપુલ પરમાર, દિનેશ પરમાર, અજય પરમાર, કનુ પરમાર, અરવિંદ પરમારના નામે મિતેષ નામના શખસે ગોલ્ડ પર લોન લીધી હોવાનું જણાવ્યું હતું. બેંકના મેનેજર દ્વારા તમામને બોલાવ્યા હતા અને પૂછપરછ કરતા તેઓની જાણમાં ન હોવાનું કહ્યું હતું.

મિતેષ નામના શખસે તેમના નામે લોન લઈ તેમના ખાતામાં પૈસા જમા કરાવ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે, સમગ્ર મામલામાં બેંકને આથક નુક્સાન ગયું હોય તેમણે સમગ્ર મામલામાં ભગુભાઈ કાંતિભાઈ ગોહેલને ફરિયાદી બનાવી ગામમાં રહેતા શખસ સામે ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે, સમગ્ર મામલે બેંકે નીમેલા સોની ઉપરાંત, અગાઉ ફરજ બજાવી ચૂકેલા બેંક મેનેજર, અન્ય કર્મીઓની પણ સંડોવણી હોવાની શક્યતા હાલમાં સેવાઈ રહી છે ત્યારે સોજિત્રા પોલીસે ગુનો નોંધીને મિતેષને રાઉન્ડ અપ કરી પૂછપરછ હાથ ધરી છે.

સમગ્ર ઘટનામાં ગત અઠવાડિયે બેંક દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં તપાસમાં જ મિતેષ નામના શખસને શંકા ગઈ હતી અને પોતાની સામે ફરિયાદ નોંધાશે તેવા ડરે તેણે પોતાનો આપઘાત કરતો વિડિયો બનાવ્યો હતો. આ વિડિયો ગત ગુરૂવારે સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં તે એક ભરવાડ યુવકના નામનો પણ ઉલ્લેખ કરે છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ મિતેષ નામના શખસે લોકોને લલચાવીને બનાવટી સોના પર લોન લીધી હતી અને લોનના નાણાં તેમણે સાતેક જેટલાં ગ્રામજનોના ખાતામાં જમા કરાવ્યા હતા. એ પછી નાણાં તેણે લઈ લીધા હોવાનું પણ હાલમાં ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું છે.