ન્યૂયોર્કના નવા મેયર મમદાનીએ રજનીગંધા ખાધી:સોશિયલ મીડિયા પર લોકોએ કહ્યું, હવે તમે ખરા ભારતીય

ન્યૂયોર્કના નવા ચૂંટાયેલા મેયર ઝોહરાન મમદાનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. એમાં તેઓ રસ્તા પર એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના ખિસ્સામાંથી રજનીગંધા સિલ્વર પર્લ કાઢે છે અને એને ખાઈ રહ્યા છે. ભારતીય યુઝર્સ તેમનો આ દેશી અંદાજ ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયો બ્રુકલિનમાં કન્ટેન્ટ ક્રિએટર નિકોલસ નુવને શૂટ ક્યો હતો. વીડિયોમાં મમદાની બ્લેક એસયુવીમાંથી બહાર નીકળે છે. નુવન તેમને પૂછે છે, “તમે કંઈ ખાધું?” આના પર મમદાની હસીને જવાબ આપે છે, “હા, મેં ખાધું છે.”

થોડીવાર પછી તે પોતાના ખિસ્સામાંથી રજનીગંધા સિલ્વર પર્લ્સનું પેકેટ કાઢે છે અને કહે છે, “હું હાલમાં આ ઘણું ખાઉં છું… એ એક પ્રકારના મિન્ટ જેવું છે.”

પછી તે નુવનને રજનીગંધા આપે છે. નુવન એનો સ્વાદ ચાખીને કહે છે, “વાહ, આ તો ખૂબ જ ટેસ્ટી છે… ખાવા યોગ્ય પર્ફ્યૂમ જેવું.” મમદાની હસીને જવાબ આપે છે, “ખાઈ શકાય એવું પર્ફ્યૂમ.”