નસવાડી ખાતે સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ ન કરાતા કપાસ વેચવા ખેડુતો બોડેલી અને સંખેડા સુધી લાંબા થવા મજબુર

છોટાઉદેપુર જિલ્લામાં ખેડુતોને સીસીઆઈમાં કપાસ વેચવા માટે ચારથી પાંચ દિવસનુ વેઈટિંગ છે. જયારે નસવાડી ખાતે સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ ન કરતા કપાસ વેચવા માટે ખેડુતોને બોડેલી અને સંખેડા તાલુકામાં જવુ પડે છે.

છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી, બોડેલી અને સંખેડા તાલુકામાં કપાસની ખેતી વધુ થાય છે. આ વર્ષે સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી મોડી શરૂ કરતા હાલ ખેડુતોને કપાસ વેચવા માટે ચારથી પાંચ દિવસનુ વેઈટિંગ ચાલી રહ્યુ છે. જયારે ખેડુતોને કપાસ સીસીઆઈમાં વેચવો હોય તો રાહ જોવી પડે છે. બીજી તરફ નસવાડી ખાતે કપાસની જીનમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ ન કરતા 210 ગામોના ખેડુતો અને નર્મદા જિલ્લાના ખેડુતોને બીજા તાલુકામાં કપાસ વેવા માટે જવુ પડે છે. જયારે નસવાડી ખાતે કપાસની ખરીદી શરૂ થાય તો ખેડુતોને જવા આવવાનો ખર્ચ અને અન્ય કામગીરીમાં રાહત રહે. બીજા તાલુકામાં કપાસ વેચવા માટે જાય છે ત્યારે લાઈનોમાં ઉભા રહેવુ પડે છે અને સમયસર કપાસ વેચાતો નથી. નસવાડી ખાતે અડધી સીઝન વિતી જવા છતાંય સરકારે અન્યાય કરીને કપાસની ખરીદી સીસીઆઈ દ્વારા શરૂ ન કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જયારે ખેડુતોએ ચિમકી આપી છે કે, જલ્દી કપાસની ખરીદી નસવાડી ખાતે શરૂ કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરાશે.