મણિપુરના ત્રણ જિલ્લામાં બંધને કારણે જનજીવન પ્રભાવિત થયું, બજારો અને શાળાઓ બંધ રહી

મણિપુરમાં ત્રણ ચર્ચ અધિકારીઓ અને એક નાગરિકની હત્યાના વિરોધમાં કુકી-ઝો અને નાગા સમુદાયો દ્વારા આપવામાં આવેલ બંધ ત્રણ જિલ્લાઓમાં અનુભવાયો હતો. કાંગપોકપી, ચુરાચંદપુર અને ચંદેલ જિલ્લામાં બંધ સૌથી વધુ ગંભીર હતો. સરકારી કચેરીઓમાં કર્મચારીઓની હાજરી ખૂબ ઓછી હતી, જ્યારે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહી હતી. ઘણા વિસ્તારોમાં બજારો પણ બંધ હતા.

અહેવાલો અનુસાર, રાજ્યમાં કુકી જનજાતિની સર્વોચ્ચ સંસ્થા, કુકી ઇન્પી મણિપુરે ગુરુવાર મધ્યરાત્રિથી મણિપુરમાં ૪૮ કલાકના બંધનું એલાન આપ્યું છે. પ્રદર્શનકારીઓએ કુકી-પ્રભુત્વ ધરાવતા કાંગપોકપી જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૨ પર બજારો, વ્યાપારી પ્રવૃત્તિઓ અને વાહનોની અવરજવર બળજબરીથી બંધ કરાવી દીધી છે, જે ઇમ્ફાલને દિમાપુર સાથે જાડે છે. ચુરાચંદપુર જિલ્લામાં સ્થિત ઝોમી સ્ટુડન્ટ્‌સ ફેડરેશન – જનરલ હેડક્વાર્ટરે બુધવારે સાંજે ૬ વાગ્યાથી જિલ્લાના શહેરી વિસ્તારોમાં અનિશ્ચિત સમય માટે બંધનું એલાન આપ્યું છે. ચંદેલ નાગા પીપલ્સ ઓર્ગેનાઇઝેશને પણ બુધવાર સાંજથી બંધનું એલાન આપ્યું છે. આ બંધને કારણે, વ્યાપારી પ્રવૃત્તિઓ અને વાહનોની અવરજવર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિલ્સન થાંગા તેમની પત્ની સાથે ફોર વ્હીલરમાં ડોલાંગ ગામ પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના પર શંકાસ્પદ આતંકવાદીઓએ હુમલો કર્યો. હુમલામાં થાંગાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમની પત્ની ઘાયલ થઈ હતી. મે ૨૦૨૩ થી મણિપુરમાં મેતેઈ અને કુકી સમુદાયો વચ્ચે થયેલી હિંસામાં ઓછામાં ઓછા ૨૬૦ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે.

દરમિયાન, મણિપુરના ગૃહમંત્રી ગોવિંદદાસ કોન્થોઉજમે ગુરુવારે જણાવ્યું હતું કે રાજ્યમાં વિવિધ જૂથો દ્વારા નાગા અને કુકી સમુદાયોના “૩૮ થી વધુ લોકો” ને બંધક બનાવવામાં આવ્યા છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બુધવારે મણિપુરના કાંગપોકપી જિલ્લામાં શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ત્રણ ચર્ચ અધિકારીઓ માર્યા ગયા હતા અને ચાર અન્ય ઘાયલ થયા હતા, જ્યારે નોને જિલ્લામાં એક નાગરિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને તેમની પત્ની ઘાયલ થઈ હતી.