મનરેગા યોજનામાં ગેરરીતિ બદલ દાહોદ જીલ્લામાં ત્રણ ગ્રામ પંચાયતોના સરપંચો સામે કડક કાર્યવાહી

દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાની રેઢાણા, સીમામોઈ અને ભાણપુર ગ્રામ પંચાયતોના સરપંચોને હોદ્દા પરથી દૂર કરવાનો જીલ્લા વિકાસ અધિકારીનો હુકમ.

મનરેગા સહિતના વિકાસલક્ષી કામોમાં ગેરરીતિ, નાણાકીય અનિયમિતતા અને હોદ્દાના દુ‚પયોગ સામે વહીવટી તંત્રની કડક કાર્યવાહી

દાહોદ જીલ્લામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના (મનરેગા) સહિત ગ્રામ પંચાયત હેઠળ હાથ ધરવામાં આવતી વિકાસલક્ષી કામગીરીમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જે અંતર્ગત દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતોના સરપંચો સામે થયેલી તપાસ, ઉપલબ્ધ દસ્તાવેજો, રજૂ થયેલા જવાબો અને સુનાવણી દરમિયાન થયેલી રજૂઆતોને ધ્યાને લઈ જીલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ની કલમ ૫૭(૧) હેઠળ તા. ૨૩ નવેમ્બર, ૨૦૨૬ના રોજ મહત્વપૂર્ણ હુકમો કરવામાં આવ્યા છે.

આ કાર્યવાહી અંતર્ગત દેવગઢ બારિયા તાલુકાની રેઢાણા ગ્રામ પંચાયતના સરપંચ અશ્ર્વિનભાઇ કેશાભાઈ કોળી, ધાનપુર તાલુકાની સીમામોઈ ગ્રામ પંચાયતનાં સરપંચ શારદાબેન પરવતસિંહ રાઠોડ તથા ધાનપુર તાલુકાની ભાણપુર ગ્રામ પંચાયતના સરપંચ જામસિંહ દીતાભાઈ પરમાર સામે હોદ્દાની ફરજોના નિર્વહનમાં નિષ્કાળજી, ગેરરીતિઓ અને હોદ્દાના દુ‚પયોગ અંગેની તપાસના આધારે હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

તપાસ દરમિયાન ગ્રામ પંચાયતોમાં વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન મનરેગા યોજના હેઠળ મંજૂર થયેલાં કામો, કામની વાસ્તવિક સ્થિતિ, સ્થળ તપાસ, રેકર્ડની જાળવણી, મસ્ટરરોલ, માપણી અને નાણાકીય વ્યવહારો સહિતના વિવિધ પાસાઓની ચકાસણી કરવામાં આવી હતી.

રેઢાણા ગ્રામ પંચાયતના કેસમાં તપાસ દરમિયાન વિવિધ રસ્તાનાં કામો સહિત કુલ ૩૯ કામોની વિગતોની ચકાસણી કરવામાં આવી હતી. સીમામોઈ ગ્રામ પંચાયતના કેસમાં ૪૮ કામો તથા ભાણપુર ગ્રામ પંચાયતના કેસમાં ૧૯ કામોની વિગતો અને તેની વાસ્તવિક સ્થિતિની તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન મંજૂર થયેલાં કામો અને સ્થળ પરની સ્થિતિ વચ્ચેની વિસંગતતાઓ, અધૂરી કામગીરી, દસ્તાવેજી ખામીઓ તથા યોજનાના નિયમોના પાલન અંગે ગંભીર બાબતો ધ્યાને આવી હતી. ત્રણેય કેસમાં સંબંધિત સરપંચોને કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ વારંવાર સુનાવણીની તક આપવામાં આવી હતી.

તેમ છતાં રજૂ થયેલા જવાબો અને ઉપલબ્ધ દસ્તાવેજોના આધારે સત્તાની ફરજોના નિર્વહનમાં ગંભીર નિષ્કાળજી તથા હોદ્દાના દુ‚પયોગની બાબતો સામે આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

જીલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ દ્વારા કરવામાં આવેલા આ હુકમોનો તાત્કાલિક અમલ કરવા સંબંધિત તાલુકા વિકાસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. સાથે જ સંબંધિત મામલતદાર, પ્રાંત અધિકારી તથા અન્ય સક્ષમ અધિકારીઓને પણ હુકમની જાણ કરી જ‚રી કાર્યવાહી કરવા જણાવાયું છે.

જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, સરકારી યોજનાઓના અમલીકરણમાં નાણાકીય શિસ્ત, પારદર્શિતા અને જવાબદારી જાળવવી અનિવાર્ય છે. જાહેર નાણાંનો દુ‚પયોગ, વિકાસકામોમાં ગેરરીતિ કે સોંપાયેલી જવાબદારીના નિર્વહનમાં બેદરકારી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.

સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લાભાર્થીઓ સુધી પહોંચે અને વિકાસકામોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે આવી તપાસ અને કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રહેશે.