મહેસાણામાં કેનેડા મોકલવાની લાલચ આપી ૨૦ લાખની છેતરિંપડી, ઋત્વિક પટેલ સામે ગુનો નોંધાયો

મહેસાણા જિલ્લામાં વિદેશ મોકલવાના નામે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. વિજાપુર તાલુકાના ખરોડ ગામના એક વ્યક્તિને તેના પુત્ર અને પુત્રવધુને કેનેડા મોકલાવવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે લાડોલ પોલીસ મથકે આરોપી ઋત્વિક પટેલ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, આરોપી ઋત્વિક પટેલે ફરિયાદીને તેના પુત્ર અને પુત્રવધુને વર્ક પરમિટ વિઝા પર કેનેડા મોકલાવી આપવાની ખાતરી આપી હતી. વિશ્વાસમાં લઈને અલગ-અલગ હપ્તામાં કુલ ૨૦ લાખ રૂપિયા વસૂલ્યા હતા. જાકે, લાંબા સમય સુધી વિઝાની કોઈ પ્રક્રિયા પૂર્ણ ન થતાં ફરિયાદીએ આરોપીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ આરોપીએ માત્ર ૬ લાખ રૂપિયા પરત આપ્યા હતા, પરંતુ બાકીના ૧૪ લાખ રૂપિયા પરત આપવાનું વચન આપ્યા છતાં ચૂકવ્યા નહોતા. સાથે જ કેનેડાનો વિઝા પણ અપાવ્યો નહોતો.

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતાં ભોગ બનનાર વ્યક્તિએ સમગ્ર મામલે લાડોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી ઋત્વિક પટેલ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ હવે નાણાંની લેવડદેવડ, દસ્તાવેજા અને વિઝા પ્રક્રિયા સંબંધિત પુરાવાઓની તપાસ કરી રહી છે. સાથે જ આરોપીએ અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ આવી રીતે છેતરપિંડી કરી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે લોકોને વિદેશ મોકલવાના નામે મોટી રકમ ચૂકવતા પહેલાં એજન્ટની અધિકૃતતા અને દસ્તાવેજાની સંપૂર્ણ ચકાસણી કરવાની અપીલ કરી છે, જેથી આવી છેતરપિંડીના બનાવોથી બચી શકાય.