
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વડીલોની સાથે સાથે યુવા મતદારોમાં પણ જોવા મળતો ભારે થનગનાટ
“મારો મત, મારું ભવિષ્ય”: અન્ય યુવાનો અને નાગરિકોને પણ મતદાન મથકે જઈ અચૂક મતદાન કરવા યશકુમારની અપીલ
મહીસાગર જિલ્લામાં આજે યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં લોકશાહીના આ મહાપર્વની અનોખી રોનક જોવા મળી રહી છે. એક તરફ વડીલો લાકડીના ટેકે મતદાન મથકે પહોંચી રહ્યા છે, તો બીજી તરફ નવી પેઢીના યુવા મતદારો પણ એટલા જ ઉત્સાહથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા બૂથ પર ઉમટી પડ્યા છે. જિલ્લાના મોટા સોનેલા ગામના એક યુવાને આજે પ્રથમ વખત મતદાન કરીને લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી છે.
મોટા સોનેલા ગામના રહેવાસી યુવાન પટેલ યશકુમારે આજે પોતાના જીવનમાં પહેલીવાર મતદાન કર્યું હતું. યશકુમાર આજે સવારે ભારે ઉત્સાહ સાથે પોતાના ગામના મતદાન મથકે પહોંચ્યા હતા. તેમણે ઈ.વી.એમ. (ઊટખ) મશીન દ્વારા પોતાનો કિંમતી મત આપીને લોકશાહીના આ પર્વમાં ગૌરવભેર સહભાગીદારી નોંધાવી હતી.
પ્રથમ વખત મતદાન કર્યા બાદ આંગળી પર લગાવેલી શાહીનું નિશાન ગર્વથી દર્શાવતા પટેલ યશકુમારે ભારે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, “આજે પહેલીવાર લોકશાહીના આ પર્વમાં જોડાઈને મતદાન કરવાનો મને ખૂબ જ ગર્વ અને આનંદ છે. આપણો એક મત આપણા વિસ્તાર અને દેશનું ભવિષ્ય નક્કી કરે છે. મેં મારી ફરજ નિભાવી છે, હવે તમારો વારો છે.”સાથે જ યશકુમારે તેમના જેવા અન્ય યુવા મિત્રો, પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદારો તેમજ તમામ ગ્રામજનોને અપીલ કરતા જણાવ્યું હતું કે, કોઈ પણ કામ પડતું મૂકીને સૌપ્રથમ મતદાન કરવા જવું જોઈએ અને આ પવિત્ર ફરજ અચૂક નિભાવવી જોઈએ.