
અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપતા જણાવ્યું હતું કે ખાનગી મિલકતમાં ધાર્મિક મેળાવડા યોજવા કે નમાઝ પઢવા પર કોઈ કાનૂની પ્રતિબંધ નથી. કોર્ટે બદાયૂં જિલ્લા વહીવટીતંત્રને ખાનગી પરિસરમાં સ્થિત મસજીદમાં શાંતિથી નમાઝ પઢતા લોકોને દખલ ન કરવા કે અવરોધ ન લાવવાનો નિર્દેશ આપ્યો હતો.
વાસ્તવમાં, બદાયૂંના રહેવાસી અલીશેર દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરતી વખતે આ આદેશ આપવામાં આવ્યો હતો. અરજદારે કોર્ટમાં વિનંતી કરી હતી કે તેમની મિલકતના એક ભાગમાં વક્ફ મસજીદ રઝા આવેલી છે. અલીશેરે આરોપ લગાવ્યો હતો કે સ્થાનિક અધિકારીઓ તેમને, તેમના પરિવાર અને મુસ્લીમ સમુદાયના અન્ય સભ્યોને ત્યાં શાંતિપૂર્ણ રીતે નમાઝ અદા કરતા અટકાવી રહ્યા છે અથવા અવરોધી રહ્યા છે.
જસ્ટીસ શેખર બી. સરાફ અને વિવેક શરણની ડિવિઝન બેન્ચે કેસની સુનાવણી કરી. બેન્ચે કોઓર્ડિનેટ બેન્ચના અગાઉના અભિપ્રાય સાથે સંમત થયા હતા, જેમાં જણાવ્યું હતું કે ખાનગી જગ્યાઓ પર ધાર્મિક પ્રવૃત્તિઓ યોજવા પર કાયદામાં કોઈ પ્રતિબંધ નથી. કોર્ટે આદેશ આપ્યો હતો કે, “અમે કોઓર્ડિનેટ બેન્ચના નિર્ણય સાથે સંમત છીએ અને પ્રતિવાદી અધિકારીઓને અરજદારોના પરિસરમાં નમાઝ અદા કરવામાં કોઈપણ રીતે દખલ ન કરવાનો નિર્દેશ આપીએ છીએ.”
અરજદારોના વકીલે મરાંથા ફુલ ગોસ્પેલ મિનિસ્ટ્રીઝ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્યના કેસમાં ડિવિઝન બેન્ચ દ્વારા ૨૭ જાન્યુઆરીના ચુકાદાને ટાંકીને જણાવ્યું હતું. ૨૫ ફેબ્રુઆરીના ચુકાદામાં આપેલા નિર્ણયને ટાંકીને, કોર્ટે રિટ અરજી પરના પોતાના નિર્ણયમાં, ૨૭ જાન્યુઆરીના ચુકાદાના આધારે અરજદારોને રાહત આપી અને સ્પષ્ટ કર્યું કે જાહેર માર્ગ અથવા જાહેર મિલકત પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઊભી થાય તો પોલીસ કાયદા અનુસાર યોગ્ય કાર્યવાહી કરી શકે છે.