કવાંટના તુરખેડા ગામના શેરડી અને બુધણી ફળિયાના લોકો 75 વર્ષ બાદ પણ વીજળીથી વંચિત

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામના શેરડી અને બુધણી આ બે ફળિયામાં 50 મકાનોમાં હજુ સુધી વીજળીની સુવિધા મળી નથી. જેના કારણે ગ્રામજનો દિવાના અજવાળે જીવી રહ્યા છે.

તુરખેડા ગામમાં અલગ અલગ ફળિયાઓ આવેલા છે. જેમાં શેરડી અને બુધણી બે ફળિયામાં 50થી વધુ મકાનોમાં 600 લોકોની વસ્તીને વીજળીની સુવિધા મળી નથી. ગ્રામજનોએ અનેકવાર ગ્રામસભામાં વીજળીની સુવિધા મળે તે માટે રજુઆતો કરી છે. પરંતુ આઝાદીના વર્ષો પછી પણ 600 લોકો દિવાના અજવાળા તળે જીવન નિર્વાહ ચલાવવા માટે મજબુર છે. ઉનાળામાં ગરમીના કારણે પરિવારો રાત્રિની નીંદણ માણવા માટે ધરની બહાર સુવા મજબુર છે. વન્ય પ્રાણીઓનો ડર સતાવી રહ્યો છે. ધરમાં સુવે ત્યારે વીજળી ન હોવાના કારણે ગરમી લાગે છે. ચોમાસા અને શિયાળામાં અંધારામાં રાત વિતાવવી મુશ્કેલ બને છે. સોૈથી પહેલી પાણીની સુવિધા વોટર વર્કસના કોઈપણ બોર નથી. કારણ કે, વીજળી ન હોવાથી બોર માટે ગ્રાન્ટ ફાળવાતી નથી. ઉનાળામાં કુવો સુકાઈ જાય ત્યારે તેઓને નર્મદા નદીમાં પાણી ભરવા માટે બે કિ.મી.ચાલીને જવુ પડે છે. આખો દિવસ પાણી લાવવામાં જ નીકળી જાય છે.