કવાંટના હાફેશ્ર્વર ગામના ચાર ફળિયાને જોડતો પાકો માર્ગ નહિ બનતા રહિશો પરેશાન

કવાંટ તાલુકાના હાફેશ્ર્વર ગામના ચાર ફળિયાને જોડતો રસ્તો બનાવવા માટે જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા રૂ.5.50 કરોડનુ ટેન્ડર 9 માસ પહેલા વર્કઓર્ડર આપ્યો હતો. તેમ છતાં વનવિભાગે જમીન નહિ ફાળવતા હાલ લોકો રસ્તાથી વંચિત રહ્યા છે.

કવાંટ તાલુકાનુ હાફેશ્ર્વર ગામના લોકો રસ્તાના અભાવે હેરાન પરેશાન થઈ ગયા છે. હાફેશ્ર્વરના તેલીયાબારી, ઉત્તલધરા, વાંકવી, જરવી ચાર ફળિયામાં એક હજાર લોકોની વસ્તી આવેલી છે. 6 કિ.મી.નો રસ્તો બનાવવા માટે પંચાયત માર્ગ મકાન વિભાગે રૂ.5 કરોડ 50 લાખના ખર્ચે ટેન્ડર બહાર પાડતા તેનુ ટેન્ડર વડોદરાની ડી.એમ.પટેલ એજન્સીને ટેન્ડર લાગતા છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગે 9 માસ પહેલા વર્કઓર્ડર આપી દીધો હતો. પરંતુ 9 માસથી જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ અને વનવિભાગ વચ્ચે રસ્તાની મંજુરી માટેની ફાઈલો લટકી રહી છે. 10 દિવસના કામને 9 મહિના વિતી જવા છતાં રસ્તા માટે વન વિભાગે મંજુરી આપી નથી. જેના કારણે ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે. ઉત્તલધરા ફળિયામાં પ્રા.શાળાના બાળકો કાચા રસ્તા ઉપર ચાલીને જાય છે. સગર્ભાઓને ઝોળીમાં નાંખીને દવાખાને લઈ જવી પડે છે. પંચાયત માર્ગ મકાન વિભાગ અને વન વિભાગના અધિકારીઓ રસ્તાની મંજુરી માટે ફાઈલોનો વહેલી તકે નિકાલ કરે તેવી માંગ ઉઠી છે.