જબુગામ પંથકમાં દિપડાની દહેશત વચ્ચે ખેતરોમાં ભુંડોના ત્રાસથી ઉભા પાકોનુ ભેલાણ થતાં ખેડુતો પરેશાન

જબુગામ પંથકમાં છેલ્લા બે મહિનાથી ભુંડોનો ત્રાસ વધતા ખેડુતોની મુશ્કેલી વધી છે. દિપડાઓની દહેશત વચ્ચે હવે ભુંડોના ટોળા ખેતરોમાં ધુસી મકાઈ, કપાસ, કેળા અને શાકભાજી સહિતના પાકોને નુકસાન પહોંચાડી રહ્યા છે. પાક બચાવવા માટે અનેક પ્રયાસો ખેડુતો દ્વારા કરવામાં આવ્યા છતાં પણ ત્રાસ કાબુમાં આવતો નથી.

જબુગામ અને આસપાસના ગામોના ખેડુતોના જણાવયા મુજબ ભુંડો ટોળાશાહી રીતે ખેતરોમાં પ્રવેશી પાકનો સફાયો કરે છે. કેળાના મોંઘા ટીશ્યુ કલ્ચરના રોપા સહિતના પાકને બચાવવા ખેતરોની ફરતે લોખંડના તારની ફેન્સિંગ કરવામાં આવી છે. તેમ છતાં ભુંડો તારની ફેન્સિંગ તોડીને અંદર ધુસી જાય છે. ગામ નજીક ખેતરોમાં ઉંડા ખાડા કરી ભુંડોએ રહેઠાણ બનાવ્યા હોવાની પણ ફરિયાદ છે. આ કારણે ખેડુતોએ પાકના નુકસાનીની સાથે ગંદકીની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. અગાઉ રહેણાંક વિસ્તારોમાં જોવા મળતા ભુંડો હવે ખેતરો તરફ વળ્યા છે. ખેડુતોની ચિંતા વધી છે. ખેતરોમાં કામ કરતા ખેડુતો પર હુમલો થવાની ભિતી પણ સેવાઈ રહી છે. ખેડુતો દ્વારા આ અંગે તંત્રને રજુઆત કરવા છતાં કોઈ અસરકારક પગલા લેવાયા નથી. ભુંડોના વધતા ત્રાસથી ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. તંત્ર ખેડુતોની વ્હારે આવે અને પાકને થતું નુકસાન અટકાવવા યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.