ગુજરાતના રાજ્યકક્ષાના રમતગમત મંત્રી ડો. જયરામ ગામીતને હાર્ટ એટેક આવ્યો

રાજ્યકક્ષાના રમતગમત મંત્રી ડા. જયરામ ગામીતની તબિયત અચાનક લથડતા તેમને તાત્કાલિક સારવાર માટે સુરતની મૈત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, તેમને છાતીના ભાગે અચાનક દુખાવો ઉપડતાં તબીબોની સલાહ અનુસાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હાલમાં મંત્રીજીની સારવાર નિષ્ણાત ડાક્ટરોની ટીમની દેખરેખ હેઠળ ચાલી રહી છે. હોસ્પિટલ દ્વારા તેમની તબિયત પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તમામ તબીબી તપાસ કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રીજીની સ્થિતિ હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. તેમના સ્વાસ્થ્ય અંગે વધુ માહિતી હોસ્પિટલના તબીબો દ્વારા આગામી મેડિકલ બુલેટિનમાં આપવામાં આવે તેવી શક્યતા છે. મંત્રીજીના સ્વાસ્થ્યના સમાચાર મળતા રાજકીય આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા તેમના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરવામાં આવી રહી છે.