
ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય બન્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. તાપીના ઉકાઈ તાલુકામાં સૌથી વધુ ૧૧.૮૧ ઈંચ એટલે કે ૩૦૦ મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે સુરતના ઉમરપાડામાં ૮.૩૫ ઈંચ અને ડાંગના સુબીર તથા વઘઈમાં અનુક્રમે ૫.૭૧ અને ૫.૬૭ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના કુલ ૧૯૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે.ગુજરાત સમાચાર
તાપીના સોનગઢમાં ૫.૫૧ ઈંચ અને ઉચ્છલમાં ૩.૯૮ ઈંચ વરસાદ પડ્યો છે. સુરતના ચોર્યાસીમાં ૪.૪૧ ઈંચ, ઓલપાડ અને સુરત શહેરમાં અંદાજે ૨.૭૨થી ૨.૮૦ ઈંચ વરસાદ નોંધાયો છે. ડાંગના આહવામાં ૪.૩૭ ઈંચ, નર્મદાના ડેડિયાપાડામાં ૪.૨૫ ઈંચ અને ચીકડામાં ૩.૪૬ ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ જોવા મળી રહી છે.
ભરૂચના અંકલેશ્વરમાં ૩.૩૫ ઈંચ અને ભરૂચ શહેરમાં ૨.૮૭ ઈંચ વરસાદ નોંધાયો છે. નર્મદાના તિલકવાડામાં ૩.૧૯ ઈંચ, સાગબારામાં ૨.૭૬ ઈંચ અને નાંદોદમાં ૨.૪૮ ઈંચ વરસાદ પડ્યો છે. ભરૂચના હાંસોટ અને વાલિયામાં પણ બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભાવનગરના ઘોઘામાં ૩.૨૩ ઈંચ અને ભાવનગર શહેરમાં ૧.૭૭ ઈંચ વરસાદ થયો છે. નવસારીના વાંસદામાં પણ ૨.૮૦ ઈંચ વરસાદ નોંધાયો છે.
ખેડા, આણંદ અને પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી માહોલ જાવા મળ્યો છે. નડિયાદમાં ૨.૪૮ ઈંચ અને આણંદમાં ૨.૩૬ ઈંચ વરસાદ નોંધાયો છે. પંચમહાલના મોરવા હડફમાં ૨.૦૫ ઈંચ તથા છોટાઉદેપુરના નસવાડીમાં ૧.૭૭ ઈંચ વરસાદ પડ્યો છે. બીજી તરફ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે. પાટણના સિદ્ધપુર-સામી, અમદાવાદના બાવળા-માંડલ અને મહેસાણાના કેટલાક વિસ્તારોમાં માત્ર છૂટોછવાયો વરસાદ નોંધાયો છે.
અમદાવાદ શહેરમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. પાલડી, વિશાલા, વાસણા, બોડકદેવ,
રાણીપ, નવાવાડજ, અખબારનગર, મકરબા, સરખેજ અને એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. છોટાઉદેપુર, ગોધરા અને લુણાવાડા સહિતના વિસ્તારોમાં લાંબા સમય બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જાવા મળી રહી છે. લાંબા સમયથી વરસાદની રાહ જાઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ ચોમાસુ પાક માટે રાહતરૂપ બન્યો છે. અમરેલી જિલ્લામાં પણ જાફરાબાદના ટીંબી, છેલાણા સહિતના ગામોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમા આગામી દિવસોમાં વરસાદનું જાર વધી શકે છે. ૧૪થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. લો-પ્રેશર, મોનસૂન ટ્રફ અને અન્ય હવામાની સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટની સ્થિતિ છે. ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર સહિત આશરે ૨૦ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ ખેડૂતો માટે રાહત લઈને આવ્યો છે, પરંતુ જ્યાં અતિભારે વરસાદ થઈ રહ્યો છે ત્યાં તંત્ર દ્વારા પાણી ભરાવા અને અન્ય પરિસ્થિતિઓ પર નજર રાખવી જરૂરી બની છે.