ગુજરાતમાં ખરીફ સિઝનનું વાવેતર ૮૫ ટકા પૂર્ણ,ખેડૂતોની પહેલી પસંદ કપાસ-મગફળી

ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝન-૨૦૨૬ દરમિયાન વાવેતરની કામગીરી હવે પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. રાજ્યના સામાન્ય સરેરાશ વાવેતર વિસ્તારની સરખામણીએ અત્યાર સુધીમાં ૭૨.૪૭ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે, જે કુલ સામાન્ય વાવેતર વિસ્તારના આશરે ૮૫ ટકા જેટલું છે.

ખાસ કરીને કપાસ અને મગફળીના વાવેતરે રાજ્યના કૃષિ ક્ષેત્રમાં નોંધપાત્ર હિસ્સો નોંધાવ્યો છે.ચાલુ ખરીફ સિઝનમાં કપાસ ખેડૂતોની પ્રથમ પસંદગી બની રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૧.૨૨ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે, જે તેના સામાન્ય વાવેતર વિસ્તારના ૮૯ ટકા જેટલું છે. કુલ વાવેતરમાં કપાસ અને મગફળી બંનેનો હિસ્સો મળીને ૫૭ ટકાથી વધુ છે.

કપાસ બાદ મગફળી બીજા ક્રમે છે. રાજ્યમાં ૨૦.૪૧ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર નોંધાયું છે. સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ મગફળીનું વાવેતર ૧૦૭ ટકા સુધી પહોંચી ગયું છે, જે ખેડૂતોમાં મગફળી પ્રત્યેનો વધેલો રસ દર્શાવે છે.

ચાલુ ખરીફ સિઝનમાં સોયાબીન અને અડદના વાવેતરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સોયાબીનનું ૩ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે સામાન્ય વિસ્તારના ૧૦૭ ટકા જેટલું છે. જ્યારે અડદનું ૮૪,૫૧૦ હેક્ટરમાં વાવેતર થયું છે, જે સામાન્ય વાવેતર વિસ્તારના ૧૦૩ ટકા સુધી પહોંચ્યું છે. અન્ય મુખ્ય પાકોની વાત કરીએ તો રાજ્યમાં મકાઈનું ૨.૬૮ લાખ હેક્ટર, તુવેરનું ૨.૩૮ લાખ હેક્ટર અને ડાંગરનું ૭.૬૧ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે.

સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ મકાઈનું વાવેતર ૯૫ ટકા, તુવેરનું ૯૩ ટકા અને ડાંગરનું ૮૬ ટકા સુધી પહોંચ્યું છે.ગુજરાતમાં ધાન્ય પાકોનું કુલ વાવેતર ૧૧.૯૯ લાખ હેક્ટર નોંધાયું છે, જે સામાન્ય વાવેતર વિસ્તારના ૮૭ ટકા જેટલું છે. તેમાં ડાંગર ૭.૬૧ લાખ હેક્ટર સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે મકાઈ ૨.૬૮ લાખ હેક્ટર સાથે બીજા ક્રમે છે. ખાસ નોંધનીય છે કે જુવારનું વાવેતર ૧૨,૪૦૨ હેક્ટર થયું છે, જે ગયા વર્ષના આ સમયગાળાના ૬,૫૮૧ હેક્ટરની સરખામણીએ લગભગ બમણું છે.

રાજ્યમાં કઠોળ પાકોનું કુલ વાવેતર ૩.૫૭ લાખ હેક્ટર સુધી પહોંચ્યું છે, જે સામાન્ય વાવેતરના ૮૬ ટકા જેટલું છે. તેમાં તુવેરનું ૨.૩૮ લાખ હેક્ટર અને અડદનું ૮૪,૫૧૦ હેક્ટર વાવેતર થયું છે. બીજી તરફ, મગનું વાવેતર ૨૫,૩૦૧ હેક્ટર અને મઠનું ૮,૬૭૩ હેક્ટર નોંધાયું છે.તેલીબિયાં પાકોમાં પણ વાવેતરની સ્થિતિ સારી જાવા મળી રહી છે. રાજ્યમાં કુલ ૨૫.૯૩ લાખ હેક્ટરમાં તેલીબિયાં પાકોનું વાવેતર થયું છે, જે સામાન્ય વાવેતર વિસ્તારના ૮૮ ટકા જેટલું છે. તેમાં મગફળી અને સોયાબીન ઉપરાંત દિવેલાનું ૨.૩૮ લાખ હેક્ટર અને તલનું ૧૪,૫૮૧ હેક્ટર વાવેતર થયું છે. અન્ય પાકોની વાત કરીએ તો રાજ્યમાં ૭.૨૧ લાખ હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર થયું છે, જે સામાન્ય વિસ્તારના ૭૧ ટકા જેટલું છે. જ્યારે ગુવાર સીડનું ૩૪,૭૬૨ હેક્ટરમાં વાવેતર થયું છે, જે સામાન્ય વાવેતર વિસ્તારના ૪૦ ટકા જેટલું છે.