
બીપીની દવા સમજીને છેલ્લા કેટલાક મહિનાથી દર્દીઓ જે ગોળીઓ લઈ રહ્યા હતા તે દવા જ ન હોવાનું સામે આવતાં દવા બજારમાં ખળભળાટ મચી ગયો છે. શરૂઆતમાં જે.પી. કેમિકલ કંપનીને તેમની બ્લડ પ્રેશરની દવા નકલી હોવાની ફરિયાદ મળી હતી. કંપનીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરતાં તપાસ શરૂ કરાઈ હતી.
તપાસ દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતનાં અલગ અલગ શહેરોમાં આ નકલી દવાનો જથ્થો પહોંચ્યો હોવાનું સામે આવ્યું હતું, જાકે તપાસ આગળ વધતાં સમગ્ર રેકેટનું સૌથી ચોંકાવનારું પાસું બહાર આવ્યું છે. દર્દીઓને બીપીની દવાના નામે જે ગોળીઓ આપવામાં આવતી હતી તેમાં અસરકારક દવાના બદલે ચૂનો હોવાની વિગતો સામે આવી છે એટલે કે બીપી કંટ્રોલ કરવાની આશાએ દવા ખાનારા દર્દીઓને ચૂનો ખવડાવવામાં આવતો હતો. હવે ક્રાઈમ બ્રાંચની તપાસ ઉત્તરાખંડથી આગળ વધીને હિમાચલ પ્રદેશ સુધી પહોંચી છે.
જે.પી. કેમિકલ કંપનીને તેમની બ્લડ પ્રેશરની દવા નકલી હોવાની ફરિયાદ મળ્યા બાદ કંપનીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી હતી. ત્યાર બાદ વિભાગે દવાની સપ્લાય ચેઇન અંગે તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં અમદાવાદના પાર્શ્વ મેડિકલ સ્ટોર મારફતે આ દવાનો જથ્થો શહેરના આશરે ૧૧ મેડિકલ સ્ટોરમાં પહોંચાડવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. ત્યાર બાદ પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.
શહેરના અલગ અલગ મેડિકલ સ્ટોર અને સ્થળોએ તપાસ કરીને આશરે ૧ર૦૦ જેટલી નકલી દવાની સ્ટ્રીપમાં કબજે કરવામાં આવી હતી. શરૂઆતમાં આ સમગ્ર મામલો નકલી દવા વેચવાના કૌભાંડ તરીકે સામે આવ્યો હતો, પરંતુ દવાની અંદરની ગોળીઓની તપાસ થતાં કેસ વધુ ગંભીર બન્યો હતો. તપાસમાં સામે આવ્યું કે દર્દીઓને બીપીની દવા આપવાના નામે જે ગોળીઓ વેચવામાં આવતી હતી તેમાં દવાના બદલે ચૂનો હોવાની હકીકત સામે આવી છે, જેના કારણે આ માત્ર છેતરપિંડી નહીં, પરંતુ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાંનો મામલો બની ગયો છે.તપાસમાં લખનૌના દેવેન્દ્ર યાદવ અને ઉમંગ રસ્તોગી નામના શખ્સોએ ગુજરાતમાં નકલી દવાનો જથ્થો મોકલ્યો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના પાર્શ્વ મેડિકલ સ્ટોરના દર્શિલ સંઘવીને દવા નકલી હોવાની જાણ હોવા છતાં ૧૮ ટકા કમિશનની લાલચમાં આ જથ્થો ખરીદ્યો હોવાનો આરોપ છે. દર્શિલે આ નકલી દવાનો જથ્થો શહેરના અલગ અલગ આશરે ૧૧ મેડિકલ સ્ટોરમાં સપ્લાય કર્યો હતો. આ રીતે નકલી દવા મેડિકલ સ્ટોર મારફતે સીધી દર્દીઓ સુધી પહોંચી હતી. છેલ્લા ચાર મહિનાથી આ નકલી દવા બજારમાં વેચાઈ રહી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આરોપીઓ એક સ્ટ્રીપ ૧૧ર.૯૦ રૂપિયામાં વેચતા હતા. એક સ્ટ્રિપમાં ૧૦ ગોળીઓ આવતી હતી. બહારથી જાતાં આ ગોળી સામાન્ય બીપીની દવા જેવી જ લાગતી હોવાથી દર્દીઓ કે સામાન્ય ગ્રાહકો માટે તે નકલી છે કે અસલી તે ઓળખવું મુશ્કેલ હતું, પરંતુ હવે તપાસમાં દવાની અંદર બીપી નિયંત્રણ માટે જરૂરી દવાના બદલે ચૂનો હોવાની વિગતો સામે આવતાં મામલો વધુ ગંભીર બન્યો છે.નકલી દવાનો જથ્થો માત્ર અમદાવાદમાં જ વેચાયો નહોતો. તપાસમાં સુરત, ભાવનગર, નડિયાદ અને ભૂજ સુધી પણ આ જથ્થો પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે એટલે આ સમગ્ર રેકેટનું નેટવર્ક કેટલું મોટું છે અને કુલ કેટલા મેડિકલ સ્ટોર સુધી દવા પહોંચી હતી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. અનેક લોકોએ આ દવાનું સેવન કરી લીધું હોવાની વિગતો સામે આવી હોવાથી હવે પોલીસ એ પણ તપાસી રહી છે કે નકલી દવા લીધા બાદ કોઈ દર્દીને આરોગ્યલક્ષી તકલીફ થઈ હતી કે નહીં.
તપાસ દરમિયાન નકલી દવાનો મૂળ જથ્થો ઉત્તરાખંડથી આવ્યો હોવાનું સામે આવ્યું છે, જાકે ઉત્તરાખંડમાં દવા ક્્યાં બનાવવામાં આવતી હતી અને તેમાં ગોળીઓ કોણ તૈયાર કરતું હતું તથા ગોળીઓમાં ચૂનો ભરવાની સમગ્ર પ્રક્રિયા ક્્યાં થતી હતી તે હજુ તપાસ માટે મહ¥વનો મુદ્દો છે. નકલી દવા તૈયાર થયા બાદ તેનું પેકિંગ કેવી રીતે કરવામાં આવતું હતું અને અસલી દવા જેવી દેખાતી સ્ટ્રિપ તૈયાર કરીને ગુજરાત સુધી કેવી રીતે પહોંચાડવામાં આવતી હતી તેની કડી પણ મેળવવામાં આવી રહી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મેડિકલ સ્ટોર અને દવાઓની નિયમિત તપાસ કરવામાં આવતી હોવા છતાં આટલી મોટી સંખ્યામાં નકલી દવા બજારમાં વેચાઈ ગઈ હતી. આશરે ૧ર૦૦ સ્ટ્રિપ કબજે કરાઈ છે, જ્યારે અલગ અલગ શહેરોમાં પણ તેનો જથ્થો પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે નકલી દવાની કેટલી સ્ટ્રિપ તૈયાર કરવામાં આવી હતી, કેટલા દર્દીઓ સુધી પહોંચી અને કેટલા દર્દીઓએ બીપીની દવા સમજીને તેમાં રહેલો ચૂનો ખાધો?