ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર; ચોટીલામાંથી પકડાઈ ૩૧ હજારથી વધુ દારૂની બોટલ, સવા કરોડનો માલ જપ્ત

ગુજરાતમાં દારૂબંધી તો છે પણ માત્ર કાગળ પર અને તેનો જીવતો ગાજતો પુરાવો છે ચોટીલામાંથી પકડાયેલો મસમોટો દારૂનો જથ્થો. ચોટીલામાં હાઈવે પરથી પોલીસે સવા કરોડ રૂપિયાની કિંમતની ૩૧ હજાર કરતા પણ વધુ દારૂની બોટલ જપ્ત કરી છે.

સુરેન્દ્રનગર પોલીસના ડીવાય એસપી પાર્થ પરમારના જણાવ્યા અનુસાર, સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, મોટી માત્રામાં દારૂની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે ચોટીલા લોકલ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ અમદાવાદ-રાજકોટ હાઈવે પર રાસ્કા બોડિયા ગામના પુલ પાસે પેટ્રોલિંગમાં હતી, ત્યારે જ એક દારુ ભરેલી ટ્રેક ત્યાંથી પસાર થઈ હતી.

પોલીસને શંકા જતા આ ટ્રકની તપાસ કરવામાં આવી હતી. આ શંકાસ્પદ ટ્રકની તપાસ દરમિયાન પોલીસ ૩૧ હજાર ૪૫૨ જેટલી દારૂની બોટલ મળી આવી હતી. આ દારૂની બોટલોનો કુલ કિંમત અંદાજિત એક કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે. પોલીસે કુલ ૧.૨૬ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી કરી છે.

દારુ ભરેલી ટ્રક ચલાવનારા ડ્રાઈવર જુન્જારામ ગોદારાની પોલીસે ધરપકડ કરી છે. ડ્રાઈવર જુન્જારામ મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. આરોપીની પૂછપરછ દરમિયાન એવી હકીકત સામે આવી હતી કે, મૂળ નાસિકના રહેવાસી રમેશકુમાર નામના શખ્સે દારૂનો જથ્થો મોકલ્યો હતો.

પોલીસે ડ્રાઈવર જુન્જારામ ઉપરાંત રમેશકુમાર અને અન્ય એક ઈસમ સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસની તપાસમાં એ પણ બહાર આવ્યું છેકે, રાજસ્થાનથી ગુજરાતમાં દારુ ઘૂસાડવામાં આવ્યો હતો.દારુ ભરેલી ૩૧ હજાર ૪૫૨ બોટલ, જેની કિંમત એક કરોડથી પણ વધુ છે. પોલીસે કુલ ૧.૨૬ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પરંતુ ગુજરાતમાં છાશવારે પકડાતી દારૂ ભરેલી ટ્રક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા કરે છે.