
ગૌરવ ખન્નાએ ફરહાના ભટ્ટ કે જે બિગ બોસ ૧૯ની રનર અપ બની તેને એક વખત ટાસ્ક સમયે કહ્યું હતું કે તુ જોઈશ અને ફિનાલેમાં ઊભી રહીને મારા માટે તાળીઓ પાડીશ…અને થયું પણ એવું જે ટીવીના સુપરસ્ટારે કહ્યું હતું. ૭ ડિસેમ્બરે બિગ બોસ ૧૯નો ખિતાબ ગૌરવ ખન્નાએ પોતાના નામે કર્યો. સિલિબ્રિટી માસ્ટરશેફ જીતીને બિગ બોસ જેવા રિયાલિટી શોમાં પહોંચેલા ગૌરવ ખન્નાની જર્ની જરાય સરળ નહતી. ઘરમાં એન્ટ્રી લેતા જ શોના હોસ્ટ સલમાન ખાને તેમની મજાક ઉડાવી હતી. પરંતુ તેઓ શોના વિનર બન્યા. તેમની જીતમાં આ ૫ પરિબળોએ મહત્વનો ભાગ ભજવ્યો. ખાસ જાણો.
બિગ બોસના પહેલા અઠવાડિયામાં જ ગૌરવ ખન્ના પોઝિટિવ ગ્રુપના લીડર બન્યા. તેમની ટીમમાં પ્રણિત મોરે, અભિષેક બજાજ, અશનૂર કૌર, આવેઝ દરબાર, નગમા અને મૃદુલ તિવારી હતા. કેપ્ટન્સી ટાસ્ક દરમિયાન ગૌરવે હંમેશા ઈચ્છ્યુ કે તેમની ટીમમાંથી જ કોઈ કેપ્ટન બને. તેઓ પતોાની ટીમના સ્પર્ધકોને હંમેશા ગાઈડ કરતા રહ્યા.
ગૌરવ ખન્નાની જીતે એ ધારણા પણ તોડી કે જે બિગ બોસના ઘરમાં લડાઈ ઝઘડા કરે છે તે જ જીતે છે. ગૌરવ ખન્નાએ અન્ય સ્પર્ધકોની જેમ જાણી જોઈને લડાઈ ઝઘડા અને બિનજરૂરી બૂમાબૂમથી પોતાની જાતને દૂર રાખી. હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે તેમણે જરાય ધીરજ ગુમાવી નહીં. જ્યારે અન્ય સ્પર્ધકો તેમને ઉક્સાવતા હતા ત્યારે પણ તેઓ ધીમી રીતે અને સમજી વિચારીને રિએક્શન આપતા હતા. જેના કારણે તેઓ મેચ્યોર ખેલાડી ગણાયા.
બિગ બોસ ૧૯માં બે ગ્રુપ બન્યા હતા. આમ છતાં ગૌરવ ખન્નાને ૧૬ સ્પર્ધકોમાંથી એક પણ સ્પર્ધક સાથે એ રીતે ફેસ ઓફ ન થયું જેથી કરીને કોઈ નફરત ઊભી થાય. તેમના મિત્ર હોય કે પછી હરીફ બધા સાથે સન્માન જાળવી રાખ્યું. તેમની ભાષા અને વ્યવહારમાં એક પ્રકારની ગરિમા જોવા મળી. ટાસ્ક દરમિયાન પણ એ ઉડીને આંખે વળગ્યું. આ વ્યવહાર બિગ બોસના દર્શકોને ખુબ ગમ્યો. કારણ કે ડ્રામા વચ્ચે હંમેશા આવા એક પોઝિટિવ રોલ મેડલની શોધ થતી હોય છે.
બીજી બાજુ સલમાન ખાન જે અગાઉ ગૌરવ ખન્નાની ખુબ મજાક ઉડાવતા હતા તે જ સલમાન ખાન શોના અંતિમ સપ્તાહોમાં ગૌરવ ખન્નાના ફેન બની ગયા. સલમાન ખાને ગૌરવ ખન્ના વિશે કહ્યું કે તેમની ગેમ હજુ સુધી એક જેવી રહી છે અને તેમણે કોઈની પણ સાથે જબરદસ્તીથી ઝઘડો કર્યો નથી. જો આ તેમની પર્સનાલિટી હોય તો હું તેમને દાદ આપવા માંગીશ, અને જો આ ગેમ હોય તો હેટ્સ ઓફ બ્રો. સલમાન ખાને એ પણ સ્વીકાર્યું કે બિગ બોસ જેવા શો માટે ગૌરવની આ શાંત પર્સનાલિટી ફાયદાકારક ન હોઈ શકે (કારણ કે અહીં ડ્રામા વધુ વેચાય છે). અભિનેતાએ કહ્યું કે ગૌરવ લોકોને ઓબ્ઝર્વ કરે છે અને ડાયરેક્ટલી તેમને કહે છે. એટલે કે પીઠ પાછળ વાતો કરવાની જગ્યાએ સામે જ વાત રજૂ કરી દે છે.
ગૌરવ ખન્નાને બિગ બોસ ૧૯ની વિનર ટ્રોફીની સાથે ૫૦ લાખ રૂપિયાની પ્રાઈઝ મની પણ મળી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ગૌરવ ખન્નાએ પ્રાઈઝ મનીથી વધુ તો ફીથી કમાણી કરી. પહેલા દિવસથી બિગ બોસ ૧૯માં એન્ટ્રી કરી હતી અને ૧૫ અઠવાડિયાની જર્ની પૂરી કરી. મીડિયા રિપોર્ટ મુજબ તેમને પ્રત્યેક સપ્તાહ ૧૭.૫ લાખ રૂપિયાની ફી મળતી હતી. તેઓ શોના સૌથી વધુ ફી મેળવનારા સ્પર્ધક હતા અને ગ્રાન્ડ ફિનાલે સુધી તેમની કુલ ફી ૨.૬૨ કરોડ રૂપિયા હતી. ૫૦ લાખ રૂપિયાની પ્રાઈઝ મનીની સાથે ગૌરવ ખન્ના કુલ ૩.૧૨ કરોડ રૂપિયા ઘરે લઈ ગયા. જે ૫૦ લાખ રૂપિયાની પ્રાઈઝ મની કરતા લગભગ ૬.૨૫ ગણું વધુ છે.