
જગદગુરૂ શંકરાચાર્ય શ્રીસદાનંદ સરસ્વતીજી મહારાજના પાવન સાનિધ્યમાં નગરયાત્રા, દીક્ષા, સત્સંગ અને ધર્મસભાઓ યોજાશે.
ગોધરા શહેર તથા પંચમહાલ જીલ્લાના ધાર્મિક વાતાવરણને વધુ સશક્ત અને જાગૃત બનાવવાના ઉદ્દેશ સાથે સનાતન ધર્મ જાગૃતિ સેવા અભિયાન અંતર્ગત ભવ્ય ધાર્મિક કાર્યક્રમોની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સનાતન ધર્મના પ્રખર પ્રવક્તા, વિદ્વાન તથા આધ્યાત્મિક માર્ગદર્શક અનંત વિભૂષિત જગદગુરૂ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ ગોધરા તથા આસપાસના વિસ્તારોમાં પધારી રહ્યા છે. સનાતન ધર્મની પરંપરા, સંસ્કૃતિ, મૂલ્યો અને આધ્યાત્મિક ચેતનાને જનમાનસ સુધી પહોંચાડવા માટે આ અભિયાન આયોજીત કરવામાં આવ્યું છે. આજના આધુનિક અને ભૌતિકવાદી યુગમાં ધર્મ, સંસ્કાર અને સંયમના મહત્વને ઉજાગર કરવાનો મુખ્ય હેતુ આ કાર્યક્રમ પાછળ રહેલો છે. આ અભિયાનની શરૂઆત 16 ડિસેમ્બર 2025, મંગળવારના રોજ ગોધરા શહેરમાં યોજાનારી ભવ્ય નગરયાત્રા સાથે થશે. આ નગરયાત્રા સાંજે 6:30 કલાકે ગોધરા રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરશે. નગરયાત્રા દરમિયાન શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના પાવન આશીર્વાદ સાથે ધાર્મિક ધ્વજ, વેદ મંત્રોચ્ચાર, ભજન-કીર્તન અને ધર્મનારા સાથે સમગ્ર શહેરમાં આધ્યાત્મિક માહોલ સર્જાશે. નગરયાત્રામાં મોટી સંખ્યામાં સાધુ-સંતો, ભક્તજનો, યુવાનો, મહિલાઓ તથા વડીલો જોડાશે તેવી અપેક્ષા છે. આયોજકોના જણાવ્યા મુજબ આ નગરયાત્રા દ્વારા ગોધરાના નાગરિકોમાં સનાતન ધર્મ પ્રત્યે વધુ જાગૃતિ અને ગૌરવની ભાવના ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવશે. નગરયાત્રા બાદ 17 થી 21 ડિસેમ્બર દરમિયાન ગોધરાના અંકલેશ્ર્વર મહાદેવ મંદિરે દરરોજ સવારના સમયગાળા દરમિયાન દીક્ષા, દર્શન અને સત્સંગના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમો દરમિયાન શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા ધાર્મિક પ્રવચન, સનાતન ધર્મના તત્ત્વજ્ઞાન, જીવનમાં ધર્મના મહત્વ અને આધ્યાત્મિક માર્ગદર્શન આપવામાં આવશે. દીક્ષા કાર્યક્રમમાં સનાતન ધર્મના અનુયાયીઓને ધાર્મિક જીવન તરફ પ્રેરિત કરવામાં આવશે, જ્યારે સત્સંગ દ્વારા ભક્તજનોને આંતરિક શાંતિ, સદાચાર અને નૈતિક મૂલ્યો તરફ દોરવામાં આવશે. દરરોજ સવારના 8:30 થી 12:30 વાગ્યા સુધી ચાલનારા આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજરી આપે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. સનાતન ધર્મ જાગૃતિ સેવા અભિયાન માત્ર શહેર પૂરતું સીમિત ન રહેતા પંચમહાલ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારો સુધી વિસ્તરશે. 18 અને 19 ડિસેમ્બર દરમિયાન વિવિધ ગામોમાં ધર્મસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. 18 ડિસેમ્બરે બપોરે ઘોઘંબા તાલુકાના ઝોઝ અને ભીલોડ ગામ. જ્યારે 19 ડિસેમ્બરે બપોરે જાંબુઘોડા તાલુકાના મલબાર અને હાલોલ ખાતે ધર્મસભાઓ યોજાશે. આ ધર્મસભાઓ દરમિયાન ગ્રામ્ય વિસ્તારના લોકોમાં સનાતન ધર્મના મૂલ્યો, સંસ્કૃતિ અને પરંપરાઓ અંગે જાગૃતિ લાવવામાં આવશે.
20 ડિસેમ્બર 2025ના રોજ શહેરાના મહાલક્ષ્મી મંદિર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ બપોરે 2:00 વાગ્યે યોજાશે. આ પ્રસંગે માતા મહાલક્ષ્મીના આશીર્વાદ સાથે શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા વિશેષ પ્રવચન આપવામાં આવશે. આ અભિયાનનું સમાપન 21 ડિસેમ્બર 2025નારોજ ગોધરામાં યોજાનારી ભવ્ય ધર્મસભા સાથે થશે. બપોરે 3:30 વાગ્યે યોજાનારી આ અંતિમ ધર્મસભા ગોધરાના ન્યૂ ઇરા હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ સમાપન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો અને ધર્મપ્રેમીઓ હાજર રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સમસ્ત બ્રહ્મ સમાજ જગદગુરૂ શંકરાચાર્ય સેવા સમિતિ, ગોધરા દ્વારા કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા ગોધરા શહેર તથા પંચમહાલ જીલ્લાના તમામ સનાતન ધર્મપ્રેમીઓ, શ્રદ્ધાળુઓ અને નાગરિકોને આ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ ધર્મલાભ મેળવવા ભાવપૂર્વક આમંત્રણ આપવામાં આવ્યું છે.