ગોધરાના જાફરાબાદ-સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રોડ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ: ૧૫ જુલાઈ સુધી વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા આદેશ

બોક્સ કલ્વર્ટની કામગીરી અને સુરક્ષાને ધ્યાને રાખી લેવાયો મહત્વનો નિર્ણય.

ગોધરા શહેરના જાફરાબાદ આનંદનગરથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરફ જતા માર્ગ પર ચાલી રહેલી બોક્સ કલ્વર્ટની કામગીરી અને તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને પંચમહાલ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ જે.જે. પટેલે એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને આ માર્ગ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર આગામી ૧૫ જુલાઈ ૨૦૨૬ સુધી પ્રતિબંધ લાદી દીધો છે. આ સમયગાળા દરમિયાન વાહનચાલકોએ તંત્ર દ્વારા સૂચવવામાં આવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે.

આ નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા જાફરાબાદ ખાતે જૂના સ્લેબ ડ્રેઈનના સ્થાને નવા બોક્સ કલ્વર્ટ બનાવવાની ચાલી રહેલી કામગીરી છે. વરસાદને કારણે આ સ્થળે તૈયાર કરવામાં આવેલું કામચલાઉ ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. વળી, ડાયવર્ઝનની આસપાસ ઊંડા ખાડા હોવાથી અને પાણીની આવક વધુ હોવાથી વાહનચાલકો માટે ગંભીર અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. જાહેર જનતાની સલામતી અને જાનહાનિ રોકવા માટે આ માર્ગને તાત્કાલિક અસરથી બંધ કરવો અનિવાર્ય બન્યો છે.

સ્થાનિક રહીશો અને વાહનચાલકોની સુવિધા માટે તંત્ર દ્વારા બે મુખ્ય વૈકલ્પિક માર્ગો જાહેર કરવામાં આવ્યા છે. પ્રગતિનગર, લકુલીશ સોસાયટી અને આસારામ આશ્રમ વિસ્તારના રહીશો કનેલાવ તળાવ થઈ શામળાજી કોલેજથી મૂનલાઈટ દાહોદ સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરી શકશે, જે અંદાજે ૨ કિલોમીટરનો રસ્તો રહેશે. તેવી જ રીતે, જાફરાબાદ આનંદનગરના રહીશો પથ્થર તલાવડી, કાંસુડી ફાટક, રવિશંકર સ્કૂલ થઈ કનેલાવ તળાવ અને શામળાજી કોલેજથી મૂનલાઈટ દાહોદ સ્ટેટ હાઈવે પર જઈ શકશે, જે અંદાજે ૫.૪૦ કિલોમીટરનો માર્ગ છે.

આ જાહેરનામું કાયદો અને વ્યવસ્થા જાળવતી ફરજ પરની ગાડીઓ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવા ઇમરજન્સી વાહનોને લાગુ પડશે નહીં.આ આદેશનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.