ગોધરામાં કોંગ્રેસ કાર્યકરોએ બૂથ મુલાકાત લીધી : અમિત ચાવડાની સૂચનાથી મતદાર સુધારણા અભિયાન અંતર્ગત ASD યાદી ચકાસી

ગોધરા વિધાનસભા વિસ્તારમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ મતદાર સુધારણા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. લોકશાહીના પર્વને વધુ મજબૂત અને પારદર્શક બનાવવાના હેતુસર, કોંગ્રેસના કાર્યકરોએ વિવિધ બૂથ મથકોની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન, કાર્યકરોએ બૂથ લેવલ ઓફિસરો(BLO)સાથે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે (BLO) દ્વારા તૈયાર કરાયેલી પ્રિ-ડ્રાફ્ટ યાદી અને ખાસ કરીને ASD(એબસન્ટ, શિફ્ટેડ, ડેડ) યાદીની ઝીણવટભરી ચકાસણી કરી હતી.

આ ચકાસણીનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીને ક્ષતિરહિત બનાવવાનો હતો. કોંગ્રેસના કાર્યકરોએ એક જાગૃત નાગરિક તરીકે મતદારો અને સ્થાનિક પ્રશાસનને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.

નોંધનીય છે કે, લોકશાહીના હિતમાં પક્ષપાતથી ઉપર ઉઠીને, કોંગ્રેસના કાર્યકરોએ ત્યાં ઉપસ્થિત અન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પણ લોકશાહીને સુદ્રઢ બનાવવા અંગે ઉપયોગી અને સકારાત્મક ચર્ચાઓ કરી હતી.