
ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. મળતી માહિતી મુજબ, મહાનગરપાલિકાની ચૂંટણી અંગેનું જાહેરનામું સપ્ટેમ્બર મહિનામાં જાહેર થઈ શકે છે. ખાસ કરીને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બંને પક્ષો સંગઠનાત્મક સ્તરે બેઠકો યોજી સંભવિત ઉમેદવારો અને ચૂંટણી રણનીતિ અંગે ચર્ચા કરી રહ્યા છે.
મળતી વિગતો પ્રમાણે, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા ઓક્ટોબર મહિનામાં પૂર્ણ કરવામાં આવે તેવી શક્યતા છે. ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ રાજકીય પક્ષોની સક્રિયતા વધુ વધવાની સંભાવના છે. આ ઉપરાંત, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર પદને લઈને પણ મહત્વની બાબત સામે આવી છે. મેયરના કાર્યકાળના પ્રથમ અઢી વર્ષ માટે ઓબીસી અનામત રહેશે તેવી માહિતી છે. આ અનામતને પગલે મેયર પદ માટેની રાજકીય ગણતરીઓમાં પણ બદલાવ આવી શકે છે.
હાલ ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર કાર્યક્રમની જાહેરાતની રાહ જોવાઈ રહી છે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીની તારીખો જાહેર થાય તો ગાંધીનગરમાં રાજકીય માહોલ વધુ ગરમાવાની શક્યતા છે.