દાહોદ જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં ચુંટણી ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓની તબિયત ગરમી અને કામના ભારણ વચ્ચે અચાનક લથડતા આરોગ્ય વિભાગે ગણતરીની મિનીટોમાં જ સક્રિય થઈને તેમને જરી તબીબી સારવાર પુરી પાડી હતી.
ફતેપુરા તાલુકાની છલોર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે મતદાન મથક પર ફરજ બજાવતા ૪૭ વર્ષિય મુકેશભાઈ રામજીભાઈ ડોડિયારને અચાનક ચકકર અને ગભરામણ થતાં અફરાતફરી મચી હતી. ધટનાની ગંભીરતા જોઈ જઘોલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તેમને ૧૦૮ મારફતે ફતેપુરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. જયાં હાલ તેમની સ્થિતિ સ્થિર છે. બીજી તરફ સંજેલી મામલતદાર કચેરી ખાતે ફરજ પરના જયેશભાઈ મોહનભાઈ બારીયા બપોરના સમયે હાઈ બ્લડપ્રેશરને કારણે ઢળી પડ્યા હતા. મેડિકલ ટીમે સ્થળ પર જ તપાસ કરી ઓઆરએસ અને જરી દવાઓ આપી તેમની તબિયતમાં સુધારો કર્યો હતો. ચુંટણી પ્રક્રિયા દરમિયાન દાહોદ તાલુકાના રોઝમ ગામની પ્રાથમિક શાળામાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. અહિં પ્રિસાઈડીંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા સોલંકી જયેન્દ્રસિંહ નટવરસિંહને અચાનક ગભરામણ અને ચકકર આવવાની ફરિયાદ ઉઠી હતી. જેકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની તબીબી ટીમે તુરંત દોડી જઈ તેમના બ્લડપ્રેશર અને ડાયાબિટીસની તપાસ કરી હતી.