
ઘોઘંબા તાલુકામાં ગૌ સન્માન આહ્વાન અભિયાન હેઠળ ગૌભક્તો, સંત સમાજ અને જાગૃત નાગરિકોએ મામલતદાર મારફતે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્રમાં ગુજરાતમાં દેશી ગૌવંશના સંરક્ષણ, સંવર્ધન અને ગૌમાતાને “રાજ્યમાતા”નો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી હતી.
અભિયાનના કાર્યકરોએ જણાવ્યું કે, ગુજરાતની સંસ્કૃતિ, કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્રમાં ગૌવંશનું મહત્વ છે. તેમ છતાં, હાલમાં ગૌવંશ રસ્તાઓ પર નિરાધાર હાલતમાં જોવા મળે છે, પ્લાસ્ટિક ખાવાથી બીમાર પડે છે અને અકસ્માતો તથા ગૌતસ્કરી જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. આ પરિસ્થિતિને ગંભીર ગણાવી ગૌસંરક્ષણ માટે કડક કાયદાકીય પગલાં લેવા રજૂઆત કરાઈ હતી.
આવેદનપત્રમાં કેટલીક મુખ્ય માંગણીઓનો સમાવેશ થાય છે: દરેક ગ્રામ પંચાયત સ્તરે નંદીશાળા શ કરવી, જીલ્લા સ્તરે આધુનિક ગૌશાળા અને ગૌ અભ્યારણ્ય સ્થાપવા, ગૌઆધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવું, તથા ગોબર ગેસ અને જૈવિક ખાતર જેવા ઉત્પાદનોને સરકારી યોજનાઓ સાથે જોડવા.
આ ઉપરાંત, રાજ્ય અને રાષ્ટ્રીય માર્ગો પર ગૌ એમ્બ્યુલન્સ અને ગૌ ટ્રોમા સેન્ટર શ કરવા, ગૌચર જમીનોનું સંરક્ષણ કરવું અને શાળાઓના અભ્યાસક્રમમાં “ગૌવિજ્ઞાન” વિષયનો સમાવેશ કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી.
અભિયાનના કાર્યકરોએ જણાવ્યું કે આ અભિયાન શાંતિપૂર્ણ, અહિંસક અને જનજાગૃતિ આધારિત છે. આગામી સમયમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પણ આ મુદ્દે વ્યાપક જનઆંદોલન અને જાગૃતિ કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગૌસેવકો અને નાગરિકોએ હાજરી આપી ગૌસંરક્ષણ માટે સમર્થન વ્યક્ત કર્યું હતું.