દરિયાપુર મનપસંદ જીમખાનાના ગોવિંદ પટેલ ઉર્ફે ગામો સહિત ૬ આરોપીઓ સામે પાસા

શહેર પોલીસે અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા ગુનેગારો સામે લાલ આંખ કરીને દરિયાપુર સ્થિત વિવાદાસ્પદ મનપસંદ જીમખાનાના સંચાલક ગોવિંદ પટેલ ઉર્ફે ગામો સહિત છ આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કડક કાર્યવાહી કરી છે. રેડ બાદ અમદાવાદ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના આદેશથી એક્શનમાં આવેલી પીસીબીની ટીમે આ તમામ આરોપીઓની અટકાયત કરીને રાજ્યની જુદી જુદી જેલોમાં ધકેલી દીધા છે.મળતી વિગતો અનુસાર, ગત ૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરિયાપુર ખાતે આવેલા મનપસંદ જીમખાના પર જુગારધામ અંગે દરોડો પાડવામાં આવ્યો હતો.

આ રેડ દરમિયાન મુખ્ય સૂત્રધાર ગોવિંદ પટેલ તથા તેના સાગરીતો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ રહે તે માટે પોલીસ કમિશનરે દાખલારૂપ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.જે આધારે પીસીબીની અલગ-અલગ ટીમોએ ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીઓને કાયદાની છટકબારીનો લાભ મળે તે પહેલાં જ ઝડપી લીધા હતા.

પોલીસે પાસા હુકમની બજવણી કરીને મુખ્ય આરોપી ગોવિંદ પટેલ સહિત કિશોર પઢિયાર, નારાયણ રાવલ, આનંદ ઠાકોર, વિપુલ શાહ અને નિકુંજ ખત્રી ઉર્ફે કાલુને તાત્કાલિક અસરથી રાજકોટ, વડોદરા, ભુજ અને સુરતની જેલોમાં મોકલી આપ્યા છે. પોલીસની આ આકરી કાર્યવાહીથી જુગાર અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફાળ પડી છે.