દાહોદ જિલ્લાના ખેડુતો એક તરફ કમોસમી વરસાદના નુકસાનમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ રાજય સરકાર દ્વારા જાહેર કરાયેલી ટેકાના ભાવે ડાંગરની ખરીદીની પ્રક્રિયા અત્યંત ધીમી ગતિએ ચાલી રહી હોવાનુ સામે આવ્યુ છે.
સમગ્ર જિલ્લામાં 1600 જેટલા ખેડુતોએ ટેકાના ભાવે ડાંગર વેચવા માટે નોંધણી કરાવી હતી. પરંતુ ખરીદી શરૂ થયાના એક સપ્તાહના અંતે માત્ર 33 ખેડુતો પાસેથી જ ડાંગરની ખરીદી કરવામાં આવી છે. ટેકાના ભાવ અને એપીએમસીના ભાવમાં મોટો તફાવત હોવાથી દાહોદ જિલ્લામાં ખેડુતો સરકાર દ્વારા જાહેર કરાયેલા રૂ.2369 પ્રતિ ક્વિન્ટલના ટેકાના ભાવ તરફ વળ્યા હતા. જોકે બજાર કરતા વધુ ભાવ હોવા છતાં ટેકાના ભાવે વેચવામાં ખેડુતોની નિરસતા પણ જોવા મળી રહી છે. નુકસાનને કવર કરવા માટે ખેડુત સરકારની નોંધણી અને લાંબી પ્રક્રિયાઓમાંથી પસાર થવાનુ હોવા છતાં ખેડુતો ટેકાના ભાવે વેચાણ કરવા માટે નોંધણી કરાવી છે. નવેમ્બર 25થી ખરીદી શરૂ થયાના એક સપ્તાહના ગાળામાં માત્ર 1585 ક્વિન્ટલ ડાંગરની જ ખરીદી થઈ શકી છે. જેનો લાભ માત્ર 33 ટકા ખેડુતોને જ મળ્યો છે. ગુણવત્તા ચકાસણી જેવી લાંબી પ્રક્રિયાઓને કારણે ખરીદીની ઝડપ અત્યંત મંદ છે. ખેડુતોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે, ખરીદીની ગતિ વધારવામાં આવે જેથી તેમને બજારમાં ઓછા ભાવે પાક વેચવાની ફરજ ન પડે.