CID ક્રાઈમના PI અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા:ACBએ છટકું ગોઠવી PK પટેલ અને વિપુલ દેસાઈને ઝડપી પાડ્યા

ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ આજે (15 ડિસેમ્બર) ગાંધીનગરમાં એક મોટી સફળ ટ્રેપ ગોઠવી CID ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોલ સેન્ટરના એક ગુનામાં કાર્યવાહી ન કરવા અને સેટલમેન્ટ કરવા પીઆઇ અને એક આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલે લાંચ માગી હતી, ત્યારે આજે ACBએ ટ્રેપ ગોઠવી બંને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

કોલ સેન્ટરના ગુનામાં કાર્યવાહી ન કરવા ફરિયાદી પાસે લાંચ માગી ACBના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કેસના ફરિયાદી અને તેમના મિત્ર વિરૂદ્ધ CID ક્રાઈમ ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કોલ સેન્ટરના ગુનામાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવાના CID ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર પેથા કમરશીભાઈ પટેલ અને આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ વિપુલ બાબુભાઈ દેસાઈ દ્વારા મોટી તગડી રકમની લાંચ માગવામાં આવી હતી. જે રકઝકના અંતે 30 લાખની રકમ આપવાનું નક્કી થયું હતું.

લાંચિયા પોલીસકર્મીઓને ઝડપી પાડવા ACBએ ટ્રેપ ગોઠવી જોકે, ફરિયાદી લાંચની રકમ આપવા માગતો ન હોવાથી તેણે ACBનો સંપર્ક કર્યો હતો. જેના પગલે ACB અમદાવાદ શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. પટેલ અને તેમની ટીમ દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ ટ્રેપ ગાંધીનગરના સરગાસણ ખાતે સ્વાગત સિટી મોલથી આગળ જાહેર રોડ પર આવેલી ધી ઓફિસિસ હરી ગ્રુપ નામની નવી બનતી સાઈટની સામે ગોઠવવામાં આવી હતી.

ACBએ કોન્સ્ટેબલને 30 લાખ લાંચ લેતા ઝડપી પાડ્યો આ દરમિયાન કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ ફરિયાદીને મળ્યો હતો, ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. પટેલ પણ આ લાંચ સ્વીકારવાની સંમતિ આપી હતી. બાદમાં કોન્સ્ટેબલ વિપુલ દેસાઈએ ફરિયાદી પાસેથી 30 લાખની લાંચ લીધી હતી. એ જ ઘડીએ ACBએ લાંચિયા કોન્સ્ટેબલ વિપુલ દેસાઈને દબોચી લીધો હતો. આ બંને લાંચિયા પોલીસ કર્મચારીઓની ACBએ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન ACB અમદાવાદ એકમના ઇન્ચાર્જ મદદનિશ નિયામક ડી.એન. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, CID ક્રાઈમ દ્વારા કોલ સેન્ટરના એક ગુનાની તપાસ કરવામાં આવી રહી છે. જે ગુનામાં કાર્યવાહી ન કરવા પીઆઇ પી.કે. પટેલ અને કોન્સ્ટેબલ વિપુલ દેસાઈએ સાંઠગાંઠ કરીને ફરિયાદીને ગર્ભિત ધમકીઓ આપી તગડી રકમ લાંચ પેટે માગી હતી. હાલમાં તો CID ક્રાઈમના પીઆઇ અને કોન્સ્ટેબલના લીધે ખાખીની આબરૂના ધજાગરા ઉડી ગયા છે.