છોટાઉદેપુર જિલ્લામાં તહેવારોના સમયે ગલગોટાના ફુલના ભાવ યોગ્ય ન મળતા ખેડુતો નિરાશ

છોટાઉદેપુર જિલ્લામાં તહેવારોમાં સારા ભાવ મળવાની આશાએ ખેડુતોએ ગલગોટાની ખેતી કરી, પરંતુ બજારમાં યોગ્ય ભાવ ન મળતા ખેડુતોની મહેનત અને ખર્ચ પર પાણી ફરી વળ્યુ છે.

છોટાઉદેપુર જિલ્લાના ખેડુતો માટે ગલગોટાના ફુલની ખેતી નુકસાનનો સોદો સાબિત થઈ રહી છે. નવરાત્રિથી દિવાળી સુધીના તહેવારોમાં ફુલોની માંગ વધતી હોવાથી સારા ભાવ મળવાની આશાએ ખેડુતોએ ગલગોટાની ખેતી કરી હતી. દશેરાના પર્વમાં જ ફુલના યોગ્ય ભાવ ન મળતા ખેડુતોને રોવાનો વારો આવ્યો છે. ગલગોટાના છોડ પર ફુલો ખીલી ઉઠ્યા હોવા છતાં ખેડુતો તેને તોડીને બજારમાં લઈ જવાની હિંમત કરી શકતા નથી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, છોટાઉદેપુર, પાવીજેતપુર, કવાંટ, બોડેલી, સંખેડા, અને કદવાલ સહિતના વિસ્તારોમાં ખેડુતો ખેતીની સાથે ગલગોટાના ફુલની ખેતી તરફ વળ્યા છે. નવરાત્રિ, દશેરા અને દિવાળી જેવા તહેવારોમાં ફુલોની માંગ વધતી હોવાથી ખેડુતોને સારી આવક થવાની આશા હતી. પરંતુ બજારોમાં ફુલના યોગ્ય ભાવ નહિ મળતા ખેડુતોની આશા પર પાણી ફરી વળ્યુ છે.