છોટાઉદેપુર પ્રાયોજના વહીવટદારની ખાલી જગ્યા પડતા ૯૯ કરોડના વિકાસ કામોની વહીવટી મંજુરીમાં વિલંબની ભિતી ગ્રામ ૫ંચાયતોની ચુંટણીની આચારસંહિતા લાગુ પડે તે પહેલા મંજુરીની પ્રક્રિયા પુર્ણ કરવા જરૂરિયાત ઉભી થઈ છે.
છોટાઉદેપુર જિલ્લામાં પ્રાયોજના વહીવટદારની બદલી થતાં જગ્યા ખાલી પડતા જિલ્લાના વિવિધ વિકાસ કામોની વહીવટી મંજુરીની પ્રક્રિયામાં વિલંબ થયાની ભિતી ઉભી થઈ છે. હાલ અંદાજે રૂ.૯૯ કરોડના વિકાસ કામોને પ્રાથમિક મંજુરી આપી છે. પરંતુ આ કામોની વહીવટી મંજુરીની પ્રક્રિયા હજુ બાકી છે. આગામી દિવસોમાં ગ્રામ પંચાયતોની ચુંટણીની આચારસંહિતા લાગુ પડે તે પહેલા મંજુરીની પ્રક્રિયા ૫ુર્ણ નહિ થાય તો વિકાસના કામો અટવાઈ શકે તેવી શકયતા છે. તાજેતરમાં છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારની ગાંધીનગર ખાતે ગૃહ વિભાગમાં નાયબ સચિવ તરીકે બદલી કરી હતી.છોટાઉદેપુરના પ્રાયોજના વહીવટદાર તરીકે ફરજ બજાવતા ઓમકાર શિંદેને જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુકત કર્યા છે. આ ફેરફારના પગલે પ્રાયોજના વહીવટદારની જગ્યા ખાલી પડી છે. ખાલી પડેલી આ જગ્યા પર હજુ સુધી નવા અધિકારીની નિમણુંક કરી નથી. છોટાઉદેપુર જિલ્લાના ૭ તાલુકામાં વિકાસના વિવિધ કામો માટે પ્રાયોજના વહીવટદારની કચેરી મહત્વની ભુમિકા ભજવે છે. આ કચેરી દ્વારા આદિવાસી વિસ્તારોમાં મોડેલ સ્કુલો સહિત વિવિધ વિકાસલક્ષી કામો માટે ગ્રાન્ટ ફાળવવાની અને સંબંધિત કામગીરી હાથ ધરે છે. ગ્રામ પંચાયતની ચુંટણીઓ નજીક આવવાની શકયતાને પગલે આચારસંહિતા લાગુ પડે તે પહેલા મંજુરીની પ્રક્રિયા પુર્ણ કરવાની જરિયાત ઉભી થઈ છે. જો સમયસર વહીવટી મંજુરી નહિ મળે અને આચારસંહિતા લાગુ પડી જશે તો વિકાસકામોની કામગીરીમાં વિલંબ થઈ શકે છે.