દે.બારીઆના રોડ તળાવમાં ઝાડી-ઝાંખરા અને વેલાઓનુ સામ્રાજય

દે.બારીઆ તાલુકાના વિકાસશીલ ગણાતા પીપલોદ ગામ ખાતે બારીયા રોડ તળાવમાં સાફસફાઈના અભાવે ઝાડી-ઝાંખરા અને ગાંડા બાવળનુ સામ્રાજય જોવા મળે છે. જેના કારણે તળાવમાં ગંદકી પણ જોવા મળે છે.

પીપલોદ ગામની શોભા ગણાતા બારીયા રોડ તળાવની હાલત અત્યંત દયનીય જોવા મળી રહી છે. ભુતકાળમાં આ તળાવમાં ગામના કેટલાય લોકો ન્હાવા માટે તેમજ કપડા ધોવા જતા તેમજ આ તળાવના પાણીનો ઉપયોગ પશુઓને પાણી પીવડાવવા માટે કરતા હતા. પરંતુ વર્ષો જતા આ તળાવમાં ચોમાસા દરમિયાન બજારનુ અને આસપાસનુ ગંદુ પાણી પણ ભળવા લાગ્યુ જેના કારણે તળાવના સ્વચ્છ પાણીમાં ગંદકીનુ પ્રમાણ ધીમે ધીમે વધવા લાગ્યુ હતુ. સાથે પાણીમાં લીલ, ગાંડા બાવળ, જંગલી વેવો ઉગી નીકળતા અને તેની સાફસફાઈ ના થતાં આજે આ તળાવ પર માત્ર ઝાડી-ઝાંખરા અને જંગલી વેલા જોવા મળી રહ્યા છે. તળાવનુ પાણી હવે બિનઉપયોગી બની રહ્યુ છે. પીપલોદ બજારની કેટલીક દુકાનો અને મકાનોના રહિશો તેમનો તમામ કચરો સાંજના સમયે આ તળાવમાં ઠાલવી રહ્યા છે. જેના કારણે પણ તળાવના કિનારે અસહ્ય ગંદકી જોવા મળી રહી છે. આ બાબતે કોઈપણ જાતની કાર્યવાહી ગ્રામ પંચાયત વિભાગ દ્વારા કરવામાં આવી નથી. જેથી હવે તળાવનુ બ્યુટિફિકેશન કરવા અને કચરો ઠાલવતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવા માંગ કરાઈ રહી છે.