
અમદાવાદના વ્યસ્ત અને ટ્રાફિકથી ધમધમતા રિલીફ રોડ વિસ્તારમાં રવિવારે ધોળા દિવસે બનેલી હત્યાની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે. રૂપિયા સંબંધિત વિવાદમાં એક યુવકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, હાટકેશ્વર વિસ્તારમાં રહેતા જયશંકર રાજપૂત અને વટવા વિસ્તારના શાકીબ સલીમ શેખ વચ્ચે લાંબા સમયથી રૂપિયા લેતી-દેતીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. રવિવારે બંને વચ્ચે વાતચીત માટે પથ્થરકૂવા વિસ્તારમાં મુલાકાત નક્કી કરવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન ફરી એકવાર રૂપિયા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આરોપી શાકીબ સલીમ શેખ ઉશ્કેરાઈ ગયો અને તેણે પોતાના ખિસ્સામાંથી છરી કાઢી જયશંકર પર ઉપરાછાપરી હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે જયશંકરનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જણાવવામાં આવ્યું છે.
હત્યાની ઘટનાના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં કારંજ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, હત્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને તેને અટકાયતમાં લીધો છે. હાલ પોલીસ હત્યાનું ચોક્કસ કારણ માત્ર નાણાકીય વિવાદ છે કે અન્ય કોઈ કારણ પણ જવાબદાર છે તે દિશામાં તપાસ કરી રહી છે.
એસીપી હિરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં પૈસાની લેતી-દેતીના વિવાદને કારણે હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.