
વધતા જતાં શહેરીકરણ અને વાહનોની સંખ્યા સામે ટ્રાફિક મેનેજમેન્ટ હવે એક મોટો પડકાર બની ગયું છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ગુજરાત સરકાર હવે વિશ્ર્વના વિકસિત શહેરો જેવા કે ન્યૂયોર્ક, સિડની અને સાન ફ્રાન્સિસ્કોની તર્જ પર અમદાવાદમાં ’રોડ ઝીપર’ સિસ્ટમ લાવવા ગંભીરતાથી વિચારણા કરી રહી છે.
સામાન્ય રીતે રસ્તાઓ પર સિમેન્ટના પાકા ડિવાઈડર હોય છે, જેને ખસેડી શકાતા નથી. પરંતુ ’રોડ ઝીપર’ સિસ્ટમમાં મૂવેબલ (ખસેડી શકાય તેવા) બેરિયર્સ હોય છે. એક ખાસ પ્રકારનું વિશાળ મશીન આ બેરિયર્સ પરથી પસાર થાય છે અને જેકેટની ચેઈન (ઝીપર)ની જેમ તેને એક તરફથી ઉઠાવીને બીજી તરફ ગોઠવે છે. આનાથી રસ્તાની પહોળાઈ ટ્રાફિકના પ્રવાહ મુજબ ગમે ત્યારે વધારી કે ઘટાડી શકાય છે.
નવેમ્બર મહિનામાં વલસાડ ખાતે યોજાયેલી રાજ્ય સરકારની ચિંતન શિબિરમાં ટ્રાફિક મેનેજમેન્ટ પર વિશેષ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. સચિવોના જૂથ દ્વારા અપાયેલા સૂચન મુજબ, અમદાવાદ અને ગાંધીનગર જેવા ગીચતા ધરાવતા વિસ્તારોમાં આ ટેકનોલોજી ગેમ-ચેન્જર સાબિત થઈ શકે તેમ છે. આ પ્રોજેક્ટની જાહેરાત આગામી બજેટમાં થવાની પૂરેપૂરી સંભાવના છે.
અમદાવાદમાં પ્રવેશતા મુખ્ય હાઈવે અને ઓવરબ્રિજ પર આનો પ્રયોગ કરવામાં આવશે. સવારનો સમય: જ્યારે નોકરી-ધંધા માટે શહેરમાં પ્રવેશતો ટ્રાફિક વધુ હોય, ત્યારે મશીન દ્વારા સામેની લેન ઘટાડીને શહેરમાં આવતી લેન પહોળી કરી દેવાશે. સાંજનો સમય: જ્યારે લોકો શહેરની બહાર નીકળતા હોય, ત્યારે મશીન ફરીથી બેરિયર્સ ખસેડીને બહાર જતી લેન વધારી દેશે.
પીક અવર્સમાં ટ્રાફિકમાં ફસાતા વાહનચાલકોનો કિંમતી સમય બચશે. ટ્રાફિક જામ ઓછો થતાં ઈંધણનો વપરાશ ઘટશે અને હવાનું પ્રદૂષણ પણ ઓછું થશે. રસ્તાઓને કાયમી ધોરણે પહોળા કરવા માટે કરોડોના ખર્ચે જમીન સંપાદન કરવાની જરૂરિયાત રહેશે નહીં. ગુજરાતમાં સૌથી વધુ વાહનોની ગીચતા અમદાવાદમાં છે. ટ્રાફિકના ભારણ મુજબ રસ્તો ’સ્માર્ટ’ રીતે વાપરવાની આ પદ્ધતિથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો મહત્તમ ઉપયોગ થઈ શકશે. સરકાર આ માટે ખાસ હાઈ-ટેક મશીનો ખરીદવાની તૈયારી કરી રહી છે, જે ટૂંક સમયમાં અમદાવાદના માર્ગો પર જોવા મળી શકે છે.