
અમદાવાદ શહેરમાં ઝડપના નશામાં ચકચૂર યુવાનોના કારણે રોજિંદા અકસ્માતોનું સિલસિલો ચાલુ જ છે. સોમવારે રાત્રીના સમયે એસ.જી. હાઇવે પર આવેલા જીએમડીસી ગ્રાઉન્ડની સામે એક એવો ભયાનક અકસ્માત બન્યો જેને જોઈ પસાર થતા લોકોની આંખો ફાટી ગઈ.પોલીસને મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, ૨૨-૨૩ વર્ષની ઉંમરનો એક યુવક પોતાની હોન્ડા શાઇન બાઇક પર પૂરપાટ ઝડપે એસ.જી. હાઇવે પરથી સોલા તરફ જઈ રહ્યો હતો.
રાત્રે જીએમડીસી ગ્રાઉન્ડની સામેના ડિવાઇડર પરની લોખંડની રેલિંગ સાથે બાઇક જોરદાર ટક્કર મારી. અથડામણ એટલી ભયાનક હતી કે યુવકનો જમણો હાથ કાંડાથી છૂટો પડી ગયો અને ઘટનાસ્થળેથી ૨૦-૨૫ ફૂટ દૂર જઈને પડ્યો હતો.અકસ્માત બાદ યુવકનું મોત ઘટનાસ્થળે જ થઈ ગયું હતું.લોહીનો ખાબોચિયો રસ્તા પર ફરી વળ્યો હતો અને બાઇકના ટુકડા ચારેય તરફ વેરાયેલા હતા.છેલ્લા ૧૫ દિવસમાં એસ.જી. હાઇવે, ૧૩૨ ફૂટ રીંગ રોડ અને એસપી રીંગ રોડ પર ઓવરસ્પીડિંગને કારણે ૮થી વધુ લોકોનાં મોત થયાં છે. ખાસ કરીને રાત્રીના ૧૦ પછી યુવાનો રેસિંગ અને સ્ટંટ માટે આ રોડનો ઉપયોગ કરે છે.
અમદાવાદ ના એસજી હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં ગાંધીનગરથી બાઇક પર કામ પર જઈ રહેલા કથન ખારચર નામના યુવાનને નિરમા યુનિવસટી નજીક અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. આ યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. એસજી-૧ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નિરમા યુનિવસટી નજીક તેને ટક્કર મારનાર ડ્રાઇવર ફરાર થયો હતો.