કલમ 370 હટાવવાનો નિર્ણય યોગ્ય : રાજ્યમાં સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી કરાવવાનો આદેશ.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય યથાવત્ રહેશે. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેંચે સોમવારે ચુકાદો સંભળાવ્યો હતો. CJI ચંદ્રચુડે કહ્યું- કલમ 370 અસ્થાયી વ્યવસ્થા હતી. બંધારણની કલમ 1 અને 370થી સ્પષ્ટ છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. ભારતીય બંધારણની તમામ જોગવાઈઓ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ થઈ શકે છે.

કોર્ટે કહ્યું- અમે કલમ 370 નાબૂદ કરવાના રાષ્ટ્રપતિના બંધારણીય આદેશને માન્ય ગણીએ છીએ. અમે જમ્મુ અને કાશ્મીરમાંથી લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના નિર્ણયની માન્યતા જાળવી રાખીએ છીએ. આ સાથે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં કરાવવી જોઈએ.

CJIએ કહ્યું કે કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા દરેક નિર્ણયને કોર્ટમાં પડકારી શકાય નહીં. આમ કરવાથી અરાજકતા ફેલાશે. જો કેન્દ્રનો નિર્ણય કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી કરી રહ્યો હોય તો જ તેને પડકારી શકાય.

કોર્ટે કહ્યું કે કલમ 356 પછી એ કહેવું યોગ્ય નથી કે કેન્દ્ર માત્ર સંસદ દ્વારા જ કાયદો બનાવી શકે છે. CJIએ કહ્યું કે આ ચુકાદામાં 3 જજના જજમેન્ટ સામેલ છે. એક ચુકાદો ચીફ જસ્ટિસ, જસ્ટિસ ગવઈ અને જસ્ટિસ સૂર્યકાન્તનો છે. બીજો ચુકાદો જસ્ટિસ કૌલનો છે. જસ્ટિસ ખન્ના બંને ચુકાદા સાથે સહમત છે.

કેન્દ્રએ 5 ઓગસ્ટ, 2019ના રોજ કલમ 370 હટાવી, તેની સામે 23 અરજીઓ કરાઈ
મોદી સરકારે તેના બીજા કાર્યકાળમાં 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 નાબૂદ કરી હતી. ઉપરાંત, રાજ્યને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં તેની સામે કુલ 23 અરજીઓ કરવામાં આવી હતી. પાંચ જજોની બેન્ચે તમામ અરજીઓની એકસાથે સુનાવણી કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં સતત 16 દિવસ સુધી ચાલેલી સુનાવણી 5 સપ્ટેમ્બરે પૂરી થઈ હતી. આ પછી સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. એટલે કે સુપ્રીમ કોર્ટે 96 દિવસની સુનાવણી બાદ કેસ પર પોતાનો ચુકાદો આપ્યો છે.

કોર્ટરૂમ અપડેટ્સ:
સુપ્રીમ કોર્ટમાં 5 જજોની બંધારણીય બેંચમાં ચીફ જસ્ટિસ ચંદ્રચુડ, જસ્ટિસ ગવઈ, જસ્ટિસ સૂર્યકાન્ત, જસ્ટિસ કૌલ અને જસ્ટિસ ખન્નાનો સમાવેશ થાય છે. તમામ ન્યાયાધીશોએ સર્વસંમતિથી નિર્ણય લીધો હતો. ચુકાદો માત્ર CJI ચંદ્રચુડે વાંચ્યો હતો.

CJIએ કહ્યું…

  • પ્રેસિડેંશિયલ પ્રોક્લેમેશન માન્ય હતી કે કેમ તે અંગે અમે વિચારણા કરી રહ્યા નથી કારણ કે તેને કોઈએ પડકાર્યો ન હતો.
  • રાષ્ટ્રપતિ શાસન દરમિયાન કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા દરેક નિર્ણયને પડકારી શકાય નહીં.
  • જમ્મુ અને કાશ્મીરમાં દેશનાં અન્ય રાજ્યોથી અલગ કોઈ આંતરિક સાર્વભૌમત્વ (Internal Sovereignty) નથી.
  • બંધારણની કલમ 370 અસ્થાયી હતી, તેને રદ કરવાની રાષ્ટ્રપતિની સત્તા હજુ પણ અસ્તિત્વમાં છે. જમ્મુ અને કાશ્મીર યુદ્ધની પરિસ્થિતિને કારણે તેને વચગાળાના ધોરણે લાગુ કરવામાં આવી હતી.
  • જમ્મુ અને કાશ્મીરની બંધારણ સભાને ક્યારેય કાયમી સંસ્થા બનવાનો ઈરાદો નહોતો. જ્યારે જમ્મુ અને કાશ્મીરની બંધારણ સભાનું અસ્તિત્વ ખતમ થઈ ગયું, ત્યારે ખાસ શરત કે જેના માટે કલમ 370 લાગુ કરવામાં આવી હતી તેનું પણ અસ્તિત્વમાં ખતમ થઈ ગયું.
  • જમ્મુ અને કાશ્મીરની બંધારણ સભાની ભલામણ ભારતના રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા નહોતી.
  • સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિની ઘોષણાની માન્યતા પર ચુકાદો આપવાની જરૂર નથી, કારણ કે અરજદારોએ તેને પડકાર્યો ન હતો.
  • ચીફ જસ્ટિસે કહ્યું કે જ્યારે જમ્મુ અને કાશ્મીર ભારતમાં જોડાયું તો તેનું સાર્વભૌમત્વ રહેતું નથી.
  • આ તરફ ચુકાદા પહેલાં જ જમ્મુ-કાશ્મીરમાં રાજકીય ગરમાવો આવી ગયો હતો. પીડીપીનો આરોપ છે કે ચુકાદા પહેલાં પોલીસે તેમના નેતા મહેબૂબા મુફ્તીની ગેરકાયદેસર રીતે નજરકેદ કરી લીધા છે. આ બાબતે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કોઈને પણ નજરકેદ કરાયા હોવાની વાતને નકારી હતી. સિંહાએ આવા સમાચારોને અફવા ફેલાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.