નાયબ કલેક્ટર મહીસાગર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને બાવન ગામ માછી સમાજનો ચતુર્થ સન્માન સમારોહ યોજાયો

૪૧ કર્મચારીઓનું વિશેષ સન્માન, ધોરણ ૧૦ અને ૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન; શિક્ષણ, વૈજ્ઞાનિક વિચારધારા અને વ્યસનમુક્ત સમાજના નિર્માણનો સંદેશ.

મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના ખરવાડા ખાતે બાવન ગામ માછી સમાજના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ તથા સમાજની વિશિષ્ટ સિદ્ધિઓને બિરદાવવાના હેતુથી ચતુર્થ સન્માન સમારોહ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું નાયબ કલેક્ટર, મહીસાગર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં બાવન ગામ માછી સમાજના મોટી સંખ્યામાં આગેવાનો, ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માછી, ટ્રસ્ટના તમામ હોદ્દેદારો તથા સમાજના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સરકારી સેવાઓ સહિત વિવિધ ક્ષેત્રોમાં નોકરી પ્રાપ્ત કરી સમાજનું ગૌરવ વધારનાર ૪૧ કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરી તેમની મહેનત અને પ્રતિભાને બિરદાવવામાં આવી હતી.

સમારોહને સંબોધતા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા ભારપૂર્વક હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર નોકરી મેળવવાનું સાધન નથી, પરંતુ શિક્ષણ વ્યક્તિના વ્યક્તિત્વનું ઘડતર કરે છે, તેની સમજશક્તિ વિકસાવે છે, તર્ક કરવાની ક્ષમતા વધારે છે અને વ્યક્તિને સાચા-ખોટા વચ્ચેનો ભેદ સમજવાની શક્તિ આપે છે. શિક્ષણના માધ્યમથી વ્યક્તિમાં આત્મવિશ્ર્વાસ, વૈજ્ઞાનિક અભિગમ, જાગૃતિ અને જવાબદાર નાગરિકત્વ વિકસે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે શિક્ષિત સમાજ જ અંધશ્રદ્ધા, અજ્ઞાનતા, કુરિવાજો અને સામાજીક ‚ઢિચુસ્તતામાંથી બહાર આવી શકે છે. શિક્ષણ વ્યક્તિને માત્ર રોજગારલક્ષી જ નહીં, પરંતુ વિચારશીલ, વિવેકશીલ અને માનવતાવાદી બનાવે છે. સમાજના દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે, યુવાનો ઉચ્ચ અભ્યાસ અને વિવિધ ક્ષેત્રોમાં આગળ વધે તથા માતા-પિતા બાળકોના શિક્ષણમાં સક્રિય ભાગીદારી નિભાવે તે જ‚રી છે.

સમાજના યુવાનોને વ્યસનોથી દૂર રહેવા અપીલ કરતાં મકવાણાએ વ્યસન વ્યક્તિના સ્વાસ્થ્ય, પરિવાર, આર્થિક સ્થિતિ અને સમગ્ર સમાજના વિકાસને નુકસાન પહોંચાડે છે તેમ જણાવ્યું હતું. વ્યસનમુક્ત, શિક્ષિત, જાગૃત અને વૈજ્ઞાનિક વિચારધારા ધરાવતો સમાજ જ સાચા અર્થમાં પ્રગતિ કરી શકે છે. તેમણે સમાજના દરેક સભ્યને અંધશ્રદ્ધા અને અજ્ઞાનતાથી મુક્ત રહી તર્ક, સમજણ અને માનવતાના માર્ગે આગળ વધવા પ્રેરિત કર્યા હતા.

આ પ્રસંગે સમાજમાં વ્યસનમુક્તિના પ્રયાસોને પ્રોત્સાહન આપવા એક વિશેષ જાહેરાત કરતાં એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે જે વ્યક્તિ વ્યસનનો સંપૂર્ણ ત્યાગ કરશે અને એક મહિના સુધી વ્યસનમુક્ત રહેશે, તેને એક મહિના બાદ પ્રશસ્તિપત્ર સાથે તેમના પોતાના પગારમાંથી ‚. ૧,૦૦૧ની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. આ પહેલનો હેતુ વ્યક્તિઓને વ્યસન છોડવા પ્રેરિત કરવાનો તેમજ સમાજમાં સ્વસ્થ જીવનશૈલી અને સકારાત્મક પરિવર્તનનો સંદેશ ફેલાવવાનો છે.

સમારોહમાં સમાજના આગેવાનો દ્વારા શિક્ષણ, યુવાનોની પ્રગતિ, સામાજીક એકતા અને સમાજના સર્વાંગી વિકાસ અંગેના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા. કર્મચારીઓ અને વિદ્યાર્થીઓનું સન્માન સમાજમાં મહેનત, સંઘર્ષ, શિક્ષણ અને સફળતાને યોગ્ય સ્થાન આપવાની સાથે આગામી પેઢીને પ્રેરણા આપતું મહત્વપૂર્ણ પગલું બની રહ્યું છે.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિક્ષણથી જ જાગૃતિ, જાગૃતિથી જ પ્રગતિ અને પ્રગતિથી જ સમૃદ્ધ સમાજ તથા રાષ્ટ્રનું નિર્માણ કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. શિક્ષિત, વ્યસનમુક્ત, અંધશ્રદ્ધામુક્ત, તર્કશીલ અને જવાબદાર સમાજના નિર્માણ માટે સૌએ સામૂહિક રીતે પ્રયત્નશીલ બનવાની હાકલ સાથે સમારોહ સંપન્ન થયો હતો.