ગાંધીનગરમાં કરુણ અકસ્માત,ઘર નજીક સાયકલ ચલાવતા ૫ વર્ષના દેવાંશનું મોત

ગાંધીનગરના સેક્ટર-૫માં એક હૃદયદ્રાવક અકસ્માતમાં પાંચ વર્ષના બાળકનું મોત થયું છે. મહાકાળી મંદિર પાસે ઘર નજીક સાયકલ ચલાવી રહેલો દેવાંશ અચાનક સંતુલન ગુમાવતાં રોડ પર પટકાયો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થતી કારનાં ટાયર બાળકના માથા પરથી ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.મળતી પ્રાથમિક માહિતી મુજબ, દેવાંશ ઘર નજીક સાયકલ ચલાવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક સાયકલ પરથી તેનું સંતુલન ખોરવાયું અને તે રસ્તા પર પટકાયો હતો.

તે જ સમયે ત્યાંથી પસાર થતી કારનાં ટાયર બાળકના માથા પરથી ફરી વળ્યાં હતાં. ગંભીર ઇજાઓને કારણે બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.માત્ર પાંચ વર્ષની ઉંમરે દેવાંશનું મોત થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.

ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.અકસ્માતની જાણ થતાં સેક્ટર-૭ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને અન્ય સંજાગો અંગે પોલીસ તપાસ કરી રહી છે.